ઈન્ડીયન એરફોર્સે પાકિસ્તાનને પુલાવામા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. આખરે ભારતીય લશ્કરે પુલાવામાનો બદલો લઈ લીધો છે અને હિસાબ ચૂકતે કર્યો છે. વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને જૈશે મહોમ્મદના આતંકી અડ્ડાઓ પર ત્રાટકીને તેને તબાહ કરી દીધા છે. અંદાજે 12 મિરાજ વિમાનોએ આ ઓરપેશનને અંજામ આપ્યો હતો. દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. સમગ્ર દુનિયાને એરફોર્સની એર સ્ટ્રાઈક અંગે જાણકારી આપવામાં આવી રહી છે.
મંગળવારે વિદેશ મંત્રાલય તરફથી ઓપરેશનની જાણકારી આપવામાં આવી. જોકે, પાકિસ્તાને કોઈ પણ પ્રકારનું મોટું નુકશાન થવાનો ઈન્કાર કર્યો છે. વિદેશ મંત્રાલયે વાયુસેનાની એરસ્ટ્રાઈક અંગે વિદેશી રાજદુતોને પણ માહિતી આપી છે. વિદેશ સચિવે અમેરિકા, યૂકે, રશિયા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા આશિયન દેશો, ચીન અને તૂર્કીને એર સ્ટ્રાઈક અંગે ઈન્ફોર્મ કર્યા છે.
વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે આતંકી અડ્ડાઓ અંગે ભારત દ્વારા પાકિસ્તાનને અનેક વખત કાર્યવાહી કરવા જણાવાયું હતું અને પુરાવા પણ આપવામાં આવ્યા હતા પરંતુ પાકિસ્તાન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી ન હતી. પુલવામા હુમલા બાદ પાકિસ્તાન દ્વારા આતંકીઓ વિરુદ્વ કાર્યવાહી કરવામાં ન આવતા ભારત દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી.