IAF ongoing operation : IAF નું મોટું નિવેદન: ‘ઓપરેશન સિંદૂર’ ચાલુ, તમામ અટકળોથી દૂર રહો
IAF ongoing operation : પાકિસ્તાન સાથેના યુદ્ધવિરામ વચ્ચે ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભારતીય વાયુસેનાએ જણાવ્યું છે કે ઓપરેશન હજી પૂરુ થયું નથી અને તે સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. વાયુસેનાએ વધુ માહિતી યોગ્ય સમયે જાહેર કરવાની વાત કરી છે અને અણધારી અને અવૈધ જાણકારી ન ફેલાવવાની અપીલ કરી છે.
વાયુસેનાએ પોતાના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂરના અંતર્ગત નિર્ધારિત લક્ષ્યાંકોને ખૂબ જ ચોકસાઈ અને વ્યાવસાયિકતા સાથે પાર પાડવામાં આવ્યા છે. તમામ કામગીરી રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખી વિચારપૂર્વક અને ગોપનીયતા સાથે અમલમાં મુકાઈ છે.”
શું છે ઓપરેશન સિંદૂર?
22 એપ્રિલે પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં ભારતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારતીય વાયુસેના અને ભૂમિ દળોએ સાથે મળીને પાકિસ્તાન અને પાકિસ્તાની કબ્જાવાળા કાશ્મીરમાં આવેલી નવથી વધુ આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો.
આ હુમલાઓથી ડરાયેલા પાકિસ્તાને એલઓસી (LoC) પર ભારે ગોળીબાર કર્યો અને સાંજે ભારત તરફ ડ્રોન હુમલા પણ કર્યા. જોકે, ભારતીય હવાઈ સુરક્ષા તંત્રએ સમયસર પ્રતિસાદ આપ્યો અને તમામ ડ્રોનને હવામાં જ નાબૂદ કર્યા.
યુદ્ધવિરામ છતાં તણાવ યથાવત
આ ઓપરેશન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. ઘણી આંતરરાષ્ટ્રીય તાકાતોની દખલ પછી બંને પક્ષો યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. પરંતુ થોડી જ કલાકોમાં પાકિસ્તાને ફરીથી ઉલ્લંઘન કર્યું અને નવા ડ્રોન હુમલાઓ અને ગોળીબારથી પરિસ્થિતિ વધુ જટિલ બનાવી દીધી.
દિલ્હી ખાતે ભારે ચિંતન અને યોજના
ચાલુ પરિસ્થિતિને ધ્યાને લઈ વડાપ્રધાનના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ત્રણેય સેના વડાઓ તથા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હાજર રહ્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિસ્તૃત અહેવાલ આપી રહ્યા છે અને આગળના પગલાઓ અંગે ચર્ચા કરી રહ્યા છે.
ઓપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી અને ભારત સરકાર દરેક સ્થિતિ પર કડક નજર રાખી રહી છે. વાયુસેનાની કાર્યવાહી અને આગળની રણનીતિ વિશે યોગ્ય સમયે માહિતી જાહેર થશે.