કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે નવા મતદારોમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાં અનિયમિતતાઓ છે. તેમણે ચૂંટણી પંચને પ્રશ્ન કર્યો અને પૂછ્યું કે રાજ્યની પુખ્ત વસ્તી કરતા વધુ મતદારો કેવી રીતે હોઈ શકે?
શુક્રવારે દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી સ્પીકર હોલમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, એનસીપી (શરદ પવાર) સાંસદ સુપ્રિયા સુલે અને શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “મહારાષ્ટ્રની મતદાર યાદીમાં 5 વર્ષમાં ઉમેરાયેલા મતદારો કરતાં માત્ર 5 મહિનામાં વધુ મતદારો ઉમેરાયા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 અને લોકસભા ચૂંટણી 2024 વચ્ચે, મહારાષ્ટ્રમાં 32 લાખ મતદારો ઉમેરાયા. તે જ સમયે, લોકસભા ચૂંટણી 2024 અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 વચ્ચે, એટલે કે 5 મહિનામાં, રાજ્યની મતદાર યાદીમાં 39 લાખ નવા મતદારો ઉમેરાયા. આનો અર્થ એ થયો કે 5 મહિનામાં હિમાચલ પ્રદેશ જેટલી વસ્તી મહારાષ્ટ્રમાં ઉમેરવામાં આવી. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ઉમેરાયેલા મતદારો કોણ છે અને તેઓ ક્યાંથી આવ્યા છે?”
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, “મહારાષ્ટ્રની પુખ્ત વસ્તી 9.54 કરોડ છે, પરંતુ ચૂંટણી પંચ અનુસાર, મહારાષ્ટ્રમાં 9.70 કરોડ મતદારો છે. મતલબ કે ચૂંટણી પંચના મતે મહારાષ્ટ્રમાં વસ્તી કરતા વધુ મતદારો છે? અમે કોઈ આરોપ લગાવી રહ્યા નથી, અમે ફક્ત ચૂંટણી પંચ પાસેથી મહારાષ્ટ્રની લોકસભા અને વિધાનસભાની મતદાર યાદી, નામ, સરનામું અને ફોટો માંગી રહ્યા છીએ.
The Election Commission is the final authority. They won’t be able to explain to us how there are more voters in Maharashtra than the state’s adult population.
So they need to give us the voter lists so that we can explain this anomaly. And I’m sure that if they give us the… pic.twitter.com/1hVg7DcV74
— Congress (@INCIndia) February 7, 2025
‘ચૂંટણી પંચ સરકારનું ગુલામ છે…’
આ દરમિયાન, શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે કહ્યું, “જો આ દેશનું ચૂંટણી પંચ જીવંત છે, તેનો અંતરાત્મા મૃત નથી, તો ચૂંટણી પંચે રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. પરંતુ ચૂંટણી પંચ તેનો જવાબ આપશે નહીં કારણ કે ચૂંટણી પંચ પણ સરકારના ગુલામ તરીકે કામ કરી રહ્યું છે.
ચૂંટણી પંચ નિષ્પક્ષ હોવું જોઈએ: સુપ્રિયા સુલે
પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા શરદ પવારના નેતૃત્વ હેઠળના NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું, “જે રીતે અમારો પક્ષ તૂટી ગયો, ધારાસભ્યો અને સાંસદો તૂટી ગયા. અમારી લડાઈ હજુ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે… અમે ચૂંટણી પંચને વિધાનસભામાં ચૂંટણી ચિહ્નમાંથી તુતારી નામ દૂર કરવાની વિનંતી કરી હતી. પણ તેમણે તુતારી કાઢી નહિ. જેના કારણે અમે ઘણી બેઠકો ગુમાવી… તે ચૂંટણી પ્રતીકનો મુદ્દો છે, તે પક્ષો તોડવાનો મુદ્દો છે, તે મતદાર યાદીનો મુદ્દો છે. ચૂંટણી પંચે નિષ્પક્ષ રહેવું જોઈએ.
નોંધનીય છે કે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ 288 માંથી 235 બેઠકો જીતી હતી. ભાજપે એકલા ૧૩૨ બેઠકો જીતી. મહારાષ્ટ્રમાં ભાજપનો આ સૌથી મોટો વિજય છે. શિવસેનાએ 57 બેઠકો જીતી હતી અને અજિત પવારની NCPએ 41 બેઠકો જીતી હતી. શિવસેના યુબીટી એમવીએમાં માત્ર 20 બેઠકો જીતી શકી. આ ઉપરાંત, કોંગ્રેસ 16 બેઠકો પર અને શરદ પવારની NCP 10 બેઠકો પર સમેટાઈ ગઈ. સપાએ પણ અહીં બે બેઠકો જીતી હતી.
વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા યોજાયેલી લોકસભા ચૂંટણીમાં, કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ની બનેલી મહા વિકાસ આઘાડી (MVA) એ મહારાષ્ટ્રમાં 48 માંથી 30 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપે આ ચૂંટણીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું અને 2019 માં 23 બેઠકોની સરખામણીમાં ફક્ત 9 બેઠકો જીતી શક્યું. જ્યારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને 7 બેઠકો મળી અને અજિત પવારની એનસીપીને માત્ર એક બેઠક મળી.