દેશના પશ્ચિમી અને પૂર્વીય રાજ્યોમાં અવિરત વરસાદ ચાલુ છે, પરંતુ ઉત્તર ભારતના રાજ્યો જેમ કે દિલ્હી, યુપી અને હરિયાણા સતત ગરમીના કહેરનો સામનો કરી રહ્યા છે. પરંતુ આજે આ રાજ્યો માટે રાહતના સમાચાર છે. હાલમાં દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિલ્હી, હરિયાણા અને યુપીમાં થોડો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ભારે પવનની આગાહી પણ કરવામાં આવી છે. જેના કારણે તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે, જેનાથી ગરમીથી રાહત મળશે.
આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ સુધી ભારે વરસાદ પડશે
હવામાન વિભાગે આજે સવારે એલર્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે આજે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. આ સિવાય ગાઝિયાબાદ, મોદીનગર, મુરાદરાબાદ, રામપુર, સંભલ, ચંદૌસી. બાગપત, નજીબાબાદ જેવા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એક તરફ, દિલ્હી એનસીઆર, યુપી અને હરિયામામાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે પૂરના સંકટનો સામનો કરી રહેલા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં આજે ફરીથી ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ઉત્તર ભારતના આ રાજ્યોમાં ગરમીથી રાહત જારી રહેશે
વિભાગે આગાહી કરી છે, ‘પૂર્વ મધ્યપ્રદેશ અને મરાઠવાડામાં 12 જુલાઈએ વરસાદ પડશે. આ ઉપરાંત મંગળવાર અને બુધવારે પશ્ચિમ મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ કર્ણાટક અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ, ઓડિશા અને તટીય આંધ્ર પ્રદેશમાં 14 અને 15 જુલાઈએ ભારે વરસાદ થઈ શકે છે. બુધવારે તેલંગાણા અને વિદર્ભમાં વરસાદ પડશે. છત્તીસગઢમાં 12 અને 15 જુલાઈએ પણ ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ભારત માટે રાહતના સંકેત આપતા હવામાન વિભાગનું કહેવું છે કે મંગળવારથી પંજાબ, રાજસ્થાન, હરિયાણા, યુપી અને દિલ્હીમાં વરસાદ શરૂ થશે. આ પછી બુધવાર અને ગુરુવારે પણ આ વરસાદ ચાલુ રહી શકે છે.
ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ જારી, સંકટ ભારે
ગુજરાતમાં વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. તાપી, નર્મદા, પંચમહાલ, સુરત, વલસાડ, નવસારી સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વરસાદને કારણે આ વિસ્તારોમાં પહેલેથી જ પૂર જેવી સ્થિતિ છે અને હવામાન વિભાગે આગામી બે દિવસમાં વધુ વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં પૂરનું સંકટ વધુ ઘેરી શકે છે. આના પરથી સ્થિતિ એ પણ સમજી શકાય છે કે ગુજરાતમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 61 લોકોના મોત થયા છે. નવસારીમાં અંબિકા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.