Supreme Court સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: 6 કથિત પાકિસ્તાની નાગરિકોના દેશનિકાલ પર તાત્કાલિક રોક
Supreme Court સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહત્વનો ચુકાદો આપતા છ કથિત પાકિસ્તાની નાગરિકોના દેશનિકાલની પ્રક્રિયા પર તાત્કાલિક રોક લગાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકારના સંબંધિત અધિકારીઓ દ્વારા નક્કી થાય ત્યાં સુધી આ નાગરિકો સામે કોઈપણ દંડાત્મક પગલાં લેવાશે નહીં.
આ કેસ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ઊભો થયો છે, જેના પરિણામે ભારત સરકારે દેશમાં હાજર તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા હતા અને તેમને ભારત છોડવા આદેશ આપ્યો હતો. જોકે, આ છ વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું કે તેઓ ભારતીય નાગરિક છે અને તેમની પાસે માન્ય ભારતીય પાસપોર્ટ તથા આધાર કાર્ડ છે.
અરજદારના વકીલ નંદ કિશોરે કોર્ટમાં જણાવ્યું કે તેમના વિલાખો વિના વાઘા બોર્ડર તરફ લઈ જવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો બેંગ્લોરમાં નોકરી કરે છે અને તેમણે ભારતીય સંસ્થાઓમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ કિસ્સો માત્ર વિઝા અથવા દેશનિકાલનો નથી, પરંતુ નાગરિકત્વના માન્ય હક્કોનો છે.
અરજદારોના પિતા, તારિક મશ્કૂર બટ્ટ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રહેવાસી હતા, પરંતુ 2000માં પરિવાર સાથે શ્રીનગર આવ્યા હતા. ત્યારથી પરિવાર કાશ્મીર તથા ત્યારબાદ બેંગ્લોરમાં રહેતો રહ્યો છે. તાજેતરના વર્ષોમાં અરજદારે કેરળના IIM કોઝિકોડમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને હાલમાં એક IT કંપનીમાં કામ કરે છે.
કોર્ટના ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું કે સરકારી અધિકારીઓ આ કેસની સંપૂર્ણ તપાસ કરે ત્યાં સુધી કોઈ દંડાત્મક પગલાં લેવામાં ન આવે. કોર્ટે અરજદારોને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટમાં અરજી કરવાની છૂટ પણ આપી છે, જો સરકારના નિર્ણયથી અસંતોષ થાય.
આ કેસને પગલે નાગરિકત્વ, દસ્તાવેજી માન્યતા અને માનવાધિકાર વિશે મહત્ત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે, જે આગામી દિવસોમાં વધુ ચર્ચાસ્પદ બની શકે છે.