છેલ્લાં બે વર્ષમાં ભારતના વન ક્ષેત્રમાં એક ટકાનો વધારો થયો છે. ર૦૧પમાં તે ૭,૦૧,૪૯પ ચોરસ કિમી હતું તે વધીને ર૦૧૭માં ૭,૦૮,ર૭૩ ચોરસ કિમી થઇ ચૂક્યું છે. તેથી કુલ વન્ય ક્ષેત્રમાં ૬,૭૭૮ ચોરસ કિમીનો વધારો થયો છે.
આ દરમિયાન આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને તેલંગાણાના વન ક્ષેત્રમાં સૌથી વધુ વધારો થયો છે. આ વધારા બાદ દેશના વન ક્ષેત્રનું કુલ ક્ષેત્રફળ ર૧.પ૪ ટકા સુધી પહોંચી ગયું છે. પર્યાવરણ મંત્રાલયે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ-ર૦૧૭ જારી કરતાં આ જાણકારી આપી.
આ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે દેશમાં કુલ વન અને વૃક્ષ ક્ષેત્ર વધી ૮,૦ર,૦૮૮ ચોરસ કિમી થઇ ચૂક્યું છે. વર્ષ ર૦૧પના આકલનમાં આ અેક ટકાનો વધારો છે. હવે દેશના કુલ ર૪.૩૯ ટકા ભૂક્ષેત્ર પર વન અને વૃક્ષ ક્ષેત્ર છે.
પર્યાવરણ પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું કે ર૦૧પની સરખામણીમાં ર૦૧૭માં અત્યંત સઘન વનનું ક્ષેત્રફળ ૧.૩૬ ટકા વધ્યું છે. આ સારા સમાચાર છે, કેમ કે વેરી ડેન્સ ફોરેસ્ટ વાતાવરણમાંથી સૌથી વધુ કાર્બન શોષે છે.
ર૦૧૭ના મૂલ્યાંકન રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે લગભગ ૧પ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ૩૩ ટકાથી વધુ વિસ્તાર વન ક્ષેત્રમાં આવે છે, તેમાંથી સાત કેન્દ્ર શાસિત પ્રદેશ અને મિઝોરમ, લક્ષદ્વીપ, આંદામાન-નિકોબાર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય અને મણિપુરમાં ૭પ ટકા વિસ્તાર વન્ય ક્ષેત્ર છે, જ્યારે આઠ રાજ્ય ત્રિપુરા, ગોવા, સિક્કિમ, ઉત્તરાખંડ, દાદરા-નગર હવેલી, છત્તીસગઢ અને આસામમાં ૩૩થી ૭પ ટકા વિસ્તાર વન્ય ક્ષેત્ર છે