દિવાળી અને છઠ પર લોકો તેમના ઘરે જાય છે. આ દિવસોમાં ટ્રેનની ટિકિટ લેવા લોકોની પડાપડી હોય છે, જેના કારણે ઘણી વખત મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળતાં જનરલ ટિકિટ લેવી પડે છે. જનરલ ટિકિટ લેનારા લોકોની સંખ્યા ખૂબ વધારે હોય છે, આ કારણે લોકોને લાંબી લાઇનમાં લાગવું પડે છે. પરંતુ હવે જનરલ બોગીની ટિકિટ મેળવવા માટે ટિકિટ કાઉન્ટરની બહાર લાંબી લાઇનોમાં ઊભા નહીં રહેવું પડે. હવે તમે તમારા મોબાઇલથી ખૂબ જ સરળતાથી ટિકિટ ડાઉનલોડ કરી શકશો. તાજેતરમાં ભારતીય રેલવેએ એક નવી એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશનમાં ટિકિટ બુક કરવાની અને રદ કરવાની સુવિધા છે.
રેલવે મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે, એપ દ્વારા સીઝન ટિકિટનું રિન્યૂઅલ પણ થઈ શકશે. આ માટે તમારે ફક્ત એપ્લિકેશનમાં જઇને ઇ-વોલેટનું રિચાર્જ કરાવવું પડશે, તેમજ યુઝર પ્રોફાઇલ મેનેજમેન્ટ અને બુકિંગ હિસ્ટ્રી ભરવાની રહેશે. આ મોબાઈલ એપ્લિકેશનનું નામ utsonmobile છે. તેને સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ (CRIS) દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને વિન્ડોઝ બંને સ્માર્ટફોન બંનેમાં ઉપલબ્ધ છે. યુઝર આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને વિન્ડોઝ સ્ટોરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકે છે.
રેલવે મંત્રાલયે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, ‘પહેલાં મુસાફરે પોતાનો મોબાઇલ નંબર, નામ, સિટી ટ્રેન ટાઇપ (મેઇલ/એક્સપ્રેસ), ક્લાસ, ટિકિટ ટાઇપ, કેટલા મુસાફરો છે તે દાખલ કરીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ બધું નાખ્યા પછી રજિસ્ટ્રેશન પૂરું થઈ જશે અને R-Wallet ઝીરો બેલેન્સ સાથે બની જશે. R-Wallet બનાવવા માટે કોઈ અલગ ચાર્જ લેવામાં આવશે નહીં.’
વેબસાઇટ https://www.utsonmobile.indianrail.gov પર ઉપલબ્ધ રિચાર્જ વિકલ્પોનો ઉપયોગ કરીને R-Wallet રિચાર્જ કરી શકાય છે. R-Wallet કોઈપણ UTS કાઉન્ટર પર પણ રિચાર્જ કરાવી શકાય છે. આ એપ્લિકેશન ફક્ત જનરલ ટિકિટ માટે છે. તેથી એડવાન્સ ટિકિટ બુકિંગને મંજૂરી આપવામાં આવશે નહીં.