ડીજીટલ ઈન્ડિયાના ખ્વાબની સમાંતરે એ પણ હકિકત છે કે ઈન્ટરનેટ પ્રતિબંધિત કરવાની બાબતમાં ભારત વિશ્વના તમામ દેશોમાં સૌથી આગળ છે. આ વર્ષે અત્યાર સુધીમાં 95 વખત દેશના વિવિધ ભાગોમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. નાગરિકતા સુધારા કાયદા (CAA) સામે વિરોધ પ્રદર્શન બાદ તાજેતરમાં જ દિલ્હી અને ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં આવ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ સહિત બે થિંક ટેન્કના સંયુક્ત અહેવાલ પ્રમાણે ઈન્ટરનેટ શટડાઉન થવાને આર્થિક મોરચે ઘણુ નુકસાન સહન કરવું પડ્યું છે. વર્ષ 2012થી અત્યાર સુધીમાં સરકારે દેશમાં 367 વખત ઈન્ટરનેટ બંધ કર્યું છે. વર્ષ 2018માં વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉનની કુલ જે ઘટના બની હતી તે પૈકી ભારતમાં 67 ટકા નોંધાઈ હતી.
વર્ષ 2012-17 દરમિયાન 16 હજાર કલાક કરતા વધારે નેટ બંધ રહ્યું
જાન્યુઆરી, 2012 અને જાન્યુઆરી, 2019 વચ્ચેના સમયગાળામાં 60 ટકા ઈન્ટરનેટ શટડાઉનની સ્થિતિ 24 કલાક કરતાં વધારે સમય માટે હતુ. 55 શટડાઉન 24 કલાકથી 72 કલાક લાગુ રહ્યું હતુઅને 39 શટડાઉન 72 કલાકથી વધુ સમય માટે લાગુ રહ્યું હતું. વર્ષ 2012થી ઈન્ટરનેટ શટડાઉનની સ્થિતિ 16 હજાર કલાકથી વધારે સમય માટે હતી. અત્યાર સુધી સૌથી લાંબુ શટડાઉન કાશ્મીરમાં રહ્યું
રાજ્યો પ્રમાણે જોઈએ તો વર્ષ 2012 થી 2019માં અત્યાર સુધીમાં સૌથી વધારે કાશ્મીરમાં ઈન્ટરનેટ બંધ રહ્યું છે. આ સમય દરમિયાન કુલ 367 શટડાઉન પૈકી 180 વખત કાશ્મીરમાં લાગુ કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાજસ્થાનમાં 67 વખત, ઉત્તર પ્રદેશમાં 20 વખત, હરિયાણામાં 13 વખત અને બિહાર તથા ગુજરાતમાં 11-11 વખત ઈન્ટરનેટ બંધ રહ્યું છે.
અહેવાલ પ્રમાણે દેશના તમામ રાજ્યોમાં વર્ષ 2012થી વર્ષ 2017 દરમિયાન ઈન્ટરનેટ શટડાઉનને લીધે આશરે 3 અબજ ડોલર (લગભગ રૂપિયા 21 હજાર કરોડ)નું આર્થિક નુકસાન થયું છે. રાજ્યો પ્રમાણે આ સ્થિતિને જોઈએ તો ઈન્ટરનેટ શટડાઉનને લીધે ગુજરાતને 117.50 લાખ ડોલરનું નુકસાન થયું છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં 61.02 લાખ ડોલર, રાજસ્થાનમાં 18.29 લાખ ડોલર, ઉત્તર પ્રદેશમાં 5.30 લાખ ડોલર, હરિયાણામાં 42.92 લાખ ડોલર, બિહારમાં 5.19 લાખ ડોલરનું નુકસાન પહોંચ્યું છે.