INDIA Bloc Meeting: INDIA Blocની બેઠક પછી વિપક્ષે સંસદનું ખાસ સત્ર બોલાવવાની કરી માંગ
INDIA Bloc Meeting: INDIA Blocના અગ્રણીઓએ દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે બેઠક યોજી અને ઓપરેશન સિંદૂર સહિતના સંવેદનશીલ રાષ્ટ્રસુરક્ષા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારની પારદર્શિતાની ખામીઓ મુદ્દે ચિંતાઓ વ્યક્ત કરી. બેઠક બાદ વિપક્ષના 16 રાજકીય પક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે.
પત્રમાં પહલગામ, પૂંછ, ઉરી, રાજૌરી જેવા વિસ્તારોમાં થયેલા આતંકવાદી હુમલાઓ તેમજ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ મુદ્દે ખુલ્લી ચર્ચાની જરૂરિયાત જણાવી છે.
ટી.એમ.સીના સાંસદ ડેરેક ઓ’બ્રાયને જણાવ્યું:
“સરકાર સંસદ પ્રત્યે જવાબદાર છે. તમે દુનિયાને તો જવાબ આપી દીધો, હવે દેશના લોકો સામે બોલવાનું છે.”
કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું:
“સેના માટે આભાર માનવો અને આતંકવાદ સામે ભવિષ્યની વ્યૂહરચનાની ખુલ્લી ચર્ચા હોવી જોઈએ. 1962માં ખાસ સત્ર બોલાવાયું હતું, તો આજે શા માટે નહીં?”
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સંજય રાઉતનો પ્રહારો:
“શું લોકશાહીમાં સંસદથી મોટું કોઈ મંચ છે? ટ્રમ્પ માટે યુદ્ધવિરામ થઈ શકે છે, તો વિપક્ષના આવાન પર ખાસ સત્ર કેમ નહીં?”
એસ.પી.ના રામગોપાલ યાદવે કહ્યું:
“અમે રાજદ્વારી સ્તરે નિષ્ફળ રહ્યા છીએ. સરકાર આંતરરાષ્ટ્રીય મંચ પર બોલે છે પણ સંસદમાં મૌન છે – શા માટે?”
પત્ર પર હસ્તાક્ષર કરનારા પક્ષોનો સમાવેશ થાય છે:
કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ટીએમસી, ડીએમકે, શિવસેના (ઉદ્ધવ જૂથ), આરજેડી, નેશનલ કોન્ફરન્સ, સીપીઆઈ(એમ), સીપીઆઈ, આઈયુએમએલ, આરએસપી, જેએમએમ, વીસીકે, કેરળ કોંગ્રેસ, એમડીએમકે અને સીપીઆઈ (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશન.