ભારતીય સીમામાં ધુષણખોરી કરતા પાકિસ્તાની વિમાને ખદેડી રહેલા ઈન્ડીયન એરફોર્સના મીગ-21 બાયસન વિમાન પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ક્રેશ થઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે આ વિમાનને એરફોર્સના પાયલોટ અને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ઉડાડી રહ્યા હતા.
પાકિસ્તાને દાવો કર્યો છે કે પાયલોટની ધરપકડ કરી છે. જેનું નામ અભિનંદન વર્ધમાન છે. પાકિસ્તાન મીડિયા દ્વારા જારી કરાયેલા વીડિયોમાં પણ અભિનદન વર્ધમાન પોતાને વિંગ કમાન્ડર બતાવી રહ્યા છે. તેમનો સર્વિસ નંબર 27981 છે. અભિનંદન વર્ધમાનના પિતા રિટાયર્ડ એર માર્શલ છે.
સરકાર વતી વિદેશ મંત્રાલયના પ્રવક્ત રવિશકુમારે કહ્યું કે ભારતીય સીમમાં ઘુસેલા પાકિસ્તાનનાં વિમાનને ખદેડતી વખતે આપણું એક મીગ વિમાન ક્રેશ થયું. અને પાયલોટ પણ લાપતા છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.
દરમિયાનમાં પાકિસ્તાની સેનાએ વીડિયો જારી કરી જણાવ્યું કે ભારતીય પાયલોટને પકડી લેવામાં આવ્યો છે અને તે પાકિસ્તાનના કબ્જામાં છે. પાયલોટને પાકિસ્તાની સીમાથી પકડવામાં આવ્યો છે.
વીડિયોમાં ભારતીય વાયુ સેનાની વર્દીમાં એક વ્યક્તિ જોવા મળે છે. આ વ્યક્તિની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે અને તે પોતાને વિંગ કમાન્ડર અભિનંદન બતાવી રહી છે. તેની વર્દી પર અંગ્રેજીમાં ‘ABHI’ લખાયેલું છે.
અભિનંદનને પકડી લેવામાં આવ્યા બાદ પાકિસ્તાન તેમનું વાળ પણ વાંકો કરી શકે એમ નથી. નોંધનીય છે કે જિનિવા સંધિના અનુસંધાને યુદ્વબંધીઓને ડરાવી-ધમકાવી અથવા તેમનું અપમાન કરી શકાતા નથી. યુદ્વબંધીઓને લઈ લોકોમાં ઉત્સુકતા પણ જન્મે તેવું કામ કરી શકાતું નથી. યુદ્વબંધીઓને માત્ર પોતાનું નામ, સૈન્યમાં પદ અને નંબર બતાવવાની જ જોગવાઈ છે.