ભારતીય સેનાએ પીઓકેમાં તંગધાર સેક્ટર પાસે આતંકવાદીઓના અડ્ડાઓ પર મોટી કાર્યવાહી કરી છે. સેનાએ પીઓકેમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાને નિશાન બનાવ્યા. ભારતીય સેનાની કાર્યવાહીમાં આતંકવાદીઓના કેમ્પ નાશ થયા છે. સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. પાકિસ્તાન ફાયરિંગની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે છે. તેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.
પાકિસ્તાને કર્યો હતો સીઝ ફાયરનો ઉલ્લંઘન
પાકિસ્તાને ફરીવાર જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં બે જવાન શહીદ અને એક નાગરિકનું મોત થયુ. જ્યારે ત્રણ જેટલા નાગરિક ઘાયલ થયા છે. આ ઉપરાંત બે મકાન અને બે કાર ક્ષતિગ્રસ્ત થઈ છે. પાકિસ્તાની સેનાએ કરેલા ફાયરિંગ બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે.
આર્ટિકલ 370 હટતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. પાકિસ્તાન જમ્મુ કાશ્મીરને અસ્થિર કરવા આતંકવાદનો સહારો લઈ રહ્યુ છે. ત્યારે પાકિસ્તાને સરહદ પર અવળચંડાઈ શરૂ કરતા ભારતીય સેનાને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. આ સાથે કાશ્મીર ઘાટીમાં સૈન્ય ઠેકાણા પર સુક્ષા વધારાઈ છે.