ભારતીય વાયુદળે પીઓકેમાં એર સ્ટ્રાઈક કરી આતંકી અડ્ડાઓને તબાહ કરી દીધા છે. 14મી ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાનો જવાબ આપવા વાયુદળે એર સ્ટ્રાઈક કરી 300 કરતાં વધુ આતંકીઓને ઠાર કર્યા છે.
વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે 14 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશે મહોમ્મદ દ્વારા પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ પહેલાં પઠાણકોટમાં પણ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન આ હુમલામાં હાથ હોવાનો ઈન્કાર કરતો આવ્યો છે. આતંકી સંગઠનો અંગે પાકિસ્તાનને અનેક વાર પુરાવા આપવામાં આવ્યા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
તેમણે કહ્યું કે પાકિસ્તાનના રવૈયાને જોતાં ભારતને સખત કાર્યવાહી કરવા માટે રણનીતિ બનાવવાની ફરજ પડી. આજે સવારે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી જેમાં જૈશના કમાન્ડર સહિત આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. 20 વર્ષથી પાકિસ્તાન આતંકી ષડયંત્ર રચી રહ્યો છે અને આતંકીઓને છૂટ્ટોદોર આપી દીધો છે.
પાકિસ્તાનને બોર્ડર પર ફરી એકવાર ઊંઘા માથે પટકાવાનો વારો આવ્યો છે. જમ્મૂ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું જેનો ભારતીય સેનાઓ વાબ આપ્યો હતો અને આ જવાબમાં પાકિસ્તાની રેન્જરનો જવાન માર્યો ગયો હતો.
પાકિસ્તાની સંસદમાં માંગ કરવામાં આવી છે કે ઓઆઈસીમાં ભારતનો બહિષ્કાર કરવામાં આવે. ઓઆઈસીમાં ભારતને પ્રથમ વખત જ નિમંત્રણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાન વિરુદ્વ નારેબાજી થઈ હતી અને ભારતની એર સ્ટ્રાઈકને લઈ શરમ કરો ઈમરાન ખાન, ઈમરાન ખાન મુર્દાબાદના નારા લાગ્યા હતા.
ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈકમાં જૈશે મહોમ્મદના ચીફ મૌલાના મસુદ અઝહરનો સાળો યુસુફ અઝહર માર્યો ગયો હોવાનૂં સૂત્રો જણાવી રહ્યા છે. એર સ્ટ્રાઈક થઈ ત્યારે યુસુફ અઝહર હુમલાના સ્થળે હાજર હતો.