લગભગ એક મહિના પહેલા જ ડેરી ઉદ્યોગના જાણીતા નામ અમૂલ દ્વારા ભારતીય રેલવેને દૂધ અને તેની પેદાશો આખા દેશમાં પહોંચાડવા માટે રેફ્રિજરેટેડ પાર્સલ વાનનો ઉપયોગ કરવા માટે કહ્યું હતું. બસ રેલવે અમૂલનો પડતો બોલ ઝીલીને આ સેવા હવે ચાલુ કરી દીધી છે. આ સેવાની પહેલી શિપમેન્ટ પણ તેના મુકામ સુધી પહોંચવા માટે તૈયાર છે. અમુલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે 170 લાખ ટન અમૂલ બટરથી ભરેલ રેફરિજરેટર વેનની સાથે અમારા મિલ્ક ટ્રેનને પાલનપુરથી (ગુજરાત) દિલ્હી માટે રવાના થઈ રહી છે. જલ્દી કાર્યવાહી માટે રેલવે મંત્રીનો આભાર’
લગભગ એક મહિના પહેલા ગુજરાતની નામાંકિત અમૂલ ડેરીએ રેલવે મંત્રાલયના ઓફીશીયલ ટ્વિટર હેન્ડલ પર એક ખાસ પ્રસ્તાવ મુક્યો હતો. અમૂલે ભારતીય રેલવેને લખ્યું હતું કે, અમૂલ ભારતમાં અમૂલ બટરની સપ્લાઈ માટે રેફ્રિજરેટર પાર્સલ વેનાનો ઉપયોગ કરવા માગે છે. રેલવેએ તેનો જવાબ ઘણાં જ રસપ્રદ રીતે આપ્યો, ભારતીય રેલવે ટેસ્ટ ઓફ ઈન્ડિયાને બધા ભારતીયો સુધી પહોંચાડવામાં અટર્લી બટર્લી આનંદિત થશે.
નોંધનીય છે કે ટ્વીટર પર રેલવે મંત્રાલય પોતાના ઝડપી પ્રત્યુત્તરો માટે જાણીતું છે. પરંતુ આ લગભગ પહેલીવાર હશે કે રેલવેને ટ્વીટર પર બિઝનેસ પ્રપોઝલ મળ્યું હોય.
નોંધનીય છે કે રેલવે થોડાક વર્ષો પહેલા રેફ્રિજરેટેડ વાનની સેવા નાશવંત ચીજવસ્તુઓ જેમકે શાકભાજી, ફ્રુટ્સ, ફ્રોઝન મીટ, પોલ્ટ્રી અને ચોકલેટની હેરફેર માટે શરુ કરી હતી. હાલમાં આ સેવા થોડાક જ રુટ્સ પર ચલાવવામાં આવે છે.