ભારતીય રેલવેએ દેશમાં રેલવે તંત્રના ખાનગીકરણની દિશામાં વધુ એક પગલું ભર્યુ છે. રેલવે દેશમાં 150 જેટલી ટ્રેનોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવા માંગે છે. એંક અંગ્રેજી અખબારના અહેવાલમાં રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આગામી ચાર પાંચ વર્ષમાં 150 જેટલી ખાનગી ટ્રેનો દોડાવવાનો અમારો અંદાજ છે. તેના કારણે લોકોને વેઈટિંગ લિસ્ટથી છુટકારો પણ મળશે. અમે 150 પ્રાઈવેટ ટ્રેન સાથે શરુઆત કરવા માંગીએ છે.
1853માં ઇસ્ટ ઇંડિયા કંપનીએ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલા રેલવે (જીઆઇપીઆર) કંપની દ્વારા હિંદુસ્તાનમાં મુંબઈ શહેરમાં બોરીબંદર – થાણા રેલવે લાઇન પર પ્રથમ રેલવે પેસેંજર ટ્રેન સેવાની શરૂઆત કરી હતી. સ્ટીમ એંજિનો દ્વારા ખેંચાયેલી આ ટ્રેન એશિયાની પ્રથમ પેસેંજર ટ્રેન હતી.
હાલમાં સરકાર દ્વારા કયા રુટ પર આ ટ્રેનો દોડશે તેના પર હાલમાં સર્વે ચાલી રહ્યો છે. એ પછી ટ્રેનોના સંચાલન માટે પ્રાઈવેટ કંપનીઓ પાસેથી ટેન્ડરો મંગાવાશે. દિલ્હી-મુંબઈ, દિલ્હી-હાવડા કોરિડોર સહિતના બીજા રુટ પર આ ટ્રનો દોડાવવા માટે વિચારણા છે. દિલ્હી હાવડા રુટ અપગ્રેડ કરવા માટે સરકારે 13,000 કરોડની યોજનાને મંજૂરી આપી છે. તેમણે કહ્યું હતું કે, કંપનીઓને અમે ટ્રેનના કોચ અને એન્જિન આયાત કરવા માટે અથવા તો ભારતીય કંપની પાસેથી ખરીદવાના પણ વિકલ્પ આપીશું. રેલવે 4 ઓક્ટોબરથી લખનૌ દિલ્હી રુટ પર પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસ શરૂ કરવાની છે. જેનું સંચાલન રેલેવેની કંપની આઈઆરટીસી કરશે.
હાલમાં ભારત સરકાર હસ્તકની રેલવે કંપની છે અને તે દેશના મોટા ભાગના રેલ પરિવહનની માલિકી ધરાવે છે તથા તેનું સંચાલન કરે છે. ભારત સરકારના રેલવે મંત્રાલયનું તેના પર નિયંત્રણ છે. વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે અને દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે. 14 લાખ કરતાં વધુ કર્મચારીઓ સાથે તે વ્યાપારી કે ઉપયોગિતા ક્ષેત્રે વિશ્વનું સૌથી વિશાળ નોકરીદાતા છે. દેશના તમામ વિસ્તારોને આવરી લેતા રેલવે તંત્ર પાસે 6,909 સ્ટેશન છે અને આ 2,00,000 વેગન (માલસામાનની હેરફેર માટે), 50,000 કોચ અને 8,000 એન્જિન છે.