નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો પ્રથમ દીક્ષાંત સમારોહમાં
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશના આઇપીસી-સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં નજીકના ભવિષ્યમાં જ કેટલાક જરૂરી સુધારાઓ કરવા જઈ રહ્યા છે જેના થકી દેશભરની ક્રિમિનલ જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને કન્વીક્સન રેટનો ગ્રાફ ઉપર આવશે. જે પૈકીનો એક મહત્વપુર્ણ સુધારો એ હશે કે ગંભીર ગુનાઓ કે જેમાં છ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય તેવા ગુનાઓમાં “ફોરેન્સિક તપાસ” ફરજિયાત કરવામાં આવશે. જેનાથી આવા જઘન્ય ગુનાઓમાં દોષ સિદ્ધિનો દર વધારવામાં મદદ મળશે તેમ જ તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા પણ વધશે આ માટે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ફોરેન્સિક સાયન્સ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. આ જરૂરી સુધારા કરતા પહેલાં સમગ્ર દેશમાં ફોરેન્સિક નિષ્ણાંત અને સંબંધિત સપોર્ટ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉભી કરી દેવામાં આવશે.
ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન મોબાઈલ વેન વિશે જણાવતા અમિત શાહે કહ્યું હતું કે, ગુનાના સ્થળ ઉપર વૈજ્ઞાનિક પરીક્ષણ માટે તૈયાર કરવામાં આવેલી ફોરેન્સિક વાન તમામ જરૂરી અદ્યતન સાધનો સાથે તૈયાર કરવામાં આવેલી મોબાઇલ લેબ છે. જે આત્મ નિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરે છે. આ મોબાઇલ લેબ સંપૂર્ણ સ્વદેશી ભારતીય કંપનીએ બનાવેલી લેબ છે જે સમગ્ર દેશના દરેક જિલ્લામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી દેશમાં તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા વધારી જઘન્ય ગુનાઓમાં દોષ સિદ્ધિનો દર વધારી શકાય. હવે થર્ડ ડીગ્રીનો જમાનો નથી, ગુનાઓના ડિટેકશન માટે ફોરેન્સિક સપોર્ટને આધારે પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને જરૂરી સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવામાં મદદ કરી ગુનેગારોને મહત્તમ સજા અપાવવામાં ફોરેન્સિક સાયન્સની મહત્વની ભૂમિકા છે.
મુખ્ય અતિથિ અમિત શાહ દ્વારા NFSUના વિવિધ વિષયોના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. યુગાન્ડાના સંરક્ષણ અને વેટરન અફેર્સ મંત્રી વિન્સેન્ટ સેમ્પિજ્જા આ કોન્વોકેશનમાં હાજરી આપવા માટે છ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે આવ્યા હતા. આ ઉપરાંત ઝિમ્બાબ્વેના નવ સભ્યોનું પ્રતિનિધિમંડળ, શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના ગવર્નર, ઓમાન અને રવાન્ડા સહિતના અન્ય દેશોના પ્રતિનિધિઓ અને ડિગ્રી પ્રાપ્ત કરનાર વિધ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.