ગુજરાત કેડરના આઈપીએસ અિધકારી મનોજ શશિધરને સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર (જેડી) તરીકે એપોઈન્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આજે નિમણૂક અંગેનો ઓર્ડર આપ્યો હતો. હાલ શશિધર ગાંધીનગર ખાતે ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના એડિશનલ ડિરેક્ટર જનરલ (એડીજીપી)ના હોદ્દે કામ કરી રહ્યાં છે. તેઓ પાંચ વર્ષ સુધી દિલ્હીમાં ફરજ બજાવશે. વડોદરાના પોલીસ કમિશનર રહી ચૂકેલા શશિધર ગુજરાતના વિવિધ પ્રાંતમાં કામ કરી ચૂક્યા છે. તેઓ 1994ની બેચના આઈપીએસ અિધકારી છે. રસપ્રદ રીતે આ નિમણૂકને આંધ્રના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના સીબીઆઈ કેસ સાથે જોડીને જોવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા આંધ્ર પ્રદેશના ‘વાયઆરએસ કોંગ્રસ’ના નેતા વિજયસાઈ રેડ્ડીએ અમિત શાહને એવો પત્ર લખ્યો હતો કે સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર તરીકે એવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે જે આંધ્ર કેડરના ન હોય. કેમ કે સીબીઆઈના અગાઉના જેડી લક્ષ્મીનારાયણન આંધ્રના હતા અને તેમનો ચંદ્રબાબુ નાયડુ સાથે ઘરોબો હતો. નાયડુને હરાવીને આંધ્રમાં જગનમોહન સત્તા પર આવ્યા છે. બીજી તરફ અપ્રમાણસર સંપતિ મામલે જગનમોહન સામે સીબીઆઈ તપાસ ચાલે છે. વિજયસાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે લક્ષ્મીનારાયણન ચંદ્રબાબુના ખાસ હોવાથી એ નિષ્પક્ષ નહીં પરંતુ જગનમોહનની મુશ્કેલી વધે એ પ્રકારે જ કેસ હેન્ડલ કરી રહ્યાં છે.
એ પછી જેડી બનેલા એવી ક્રિષ્નન પણ મૂળ તેલુગુ અને લક્ષ્મીનારાયણનની નજીકના અિધકારી છે. ત્રીજા એક અિધકારી જે સીબીઆઈના જેડી બનવા માટે પ્રયાસ કરતા હતા એ પણ આંધ્રના હતા. આંધ્રના અિધકારી આંધ્રના જ મુખ્યમંત્રી વિરૂદ્ધ તપાસ કરે તો એ તપાસમાં ગરબડ થવાની પુરી શક્યતા છે. માટે જે અિધકારીને આંધ્ર કેડર સાથે કોઈ સબંધ ન હોય એવા અિધકારીને હવે જેડી તરીકે નિમવા જોઈએ. એ પછી અમિત શાહની નજીક ગણાતા મનોજ શશિધરની નિમણૂક થઈ છે. શશિધરની નિમણૂક અનેક લોકો માટે સરપ્રાઈઝિંગ છે. કોંગ્રેસ સાથે છેડો ફાડયા પછી જગનમોહને આંધ્રમાં પોતાના બળ પર સરકાર બનાવી છે અને હાલ તેઓ ભાજપના સમર્થક છે.