મધ્યપ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલ મહારાજ યશવંત રાવ હોસ્પિટલ (એમવાયએચ) માં માનવતાની શરમજનકતા દર્શાવતી તસ્વીર સામે આવી છે. અહીંયા મોર્ચરી રૂમમાં સ્ટ્રેચર પર રાખેલો એક મૃતદેહ અંતિમ સંસ્કારની રાહ જોવામાં જ કંકાલ બની ગયો. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ હડકંપ મચી જતા જવાબદારોએ તાત્કાલિક મૃતદેહને ત્યાંથી દૂર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ગંધ ફેલાયા બાદ પણ કોઈએ આ બાબતે ધ્યાન આપ્યું નહીં. હોસ્પિટલ અધિક્ષકનું કહેવું છે કે, જે દોષી હશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. એમવાયએચ બેજવાબદારીના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અહીંયા મોર્ચરી રૂમમાં રાખવામાં આવેલો મૃતદેહ 10 દિવસ પહેલાનો હોવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ, મૃતદેહ કોનો છે અને ક્યારે લાવવામાં આવ્યો હતો, આ બાબતમાં કોઈ કંઈપણ બોલવા તૈયાર નથી. સ્ટ્રેચર પર જ મૃતદેહ કંકાલ થઇ જતા સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આટલી મોટી ભૂલ કેવી રીતે થઇ અને આ ભૂલ કરવા બાબતે જવાબદાર કોણ છે. હોસ્પિટલમાં 16 ફ્રિજર છે, જેમાં મૃતદેહોને રાખવામાં આવે છે. જો કોઈ અજાણ્યો મૃતદેહ પોલીસને મળે છે તો તેનું પીએમ કરવા માટે એમવાયએચ મોકલવામાં આવે છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહનું નગર નિગમ કે એનજીઓ દ્વારા અંતિમ સંસ્કાર કરાવવામાં આવે છે. જાણવા મળી રહ્યું છે કે જે મૃતદેહ કંકાલ બની ગયો તેનું ન તો પીએમ થયું હતું અને ન તો કોઈ પ્રક્રિયા. મૃતદેહને જેવી રીતે સ્ટ્રેચર પર લાવવામાં આવ્યો હતો, તે જ રીતે પડ્યો રહ્યો હતો.