ISRO Satellite Launch: ભારતના મહત્વપૂર્ણ અવકાશ મિશનને લાગ્યો ઝટકો, PSLV-C61 દ્વારા લોન્ચ કરાયેલ EOS-09 મિશનમાં ત્રીજા તબક્કે ઉદભવેલી તકલીફના કારણે મિશન અધૂરૂં રહી ગયું.
ISRO Satellite Launch: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માટે રવિવારનો દિવસ નિરાશાજનક રહ્યો. દેશના 101મા ઉપગ્રહ મિશન તરીકે ગણાતું EOS-09 (Earth Observation Satellite) મિશન, શરુઆતમાં સફળ જોવાઈ રહ્યું હતું પરંતુ લોન્ચ થયા પછી માત્ર 9 મિનિટમાં તેમાં ખામી સર્જાઈ. આ મિશન PSLV-C61 રૉકેટ દ્વારા સવારે 5:59 કલાકે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
સફળ શરૂઆત, પણ ત્રીજા તબક્કે તકલીફ
ISRO પ્રમુખ વી. નારાયણન મુજબ, PSLV રૉકેટના પહેલા અને બીજા તબક્કા સફળતાપૂર્વક પાર થયા, પરંતુ ત્રીજા તબક્કે ઉપગ્રહમાં ખામી જોવા મળતાં મિશન અધૂરૂં રહી ગયું. EOS-09 એ RISAT-1 નો અનુગામી મિશન છે, જે રિમોટ સેન્સિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતો સેટેલાઇટ છે. તેનું મુખ્ય કાર્ય પૃથ્વીનું અવલોકન અને હવામાનની પરિસ્થિતિઓમાં પણ સ્પષ્ટ છબીઓ આપવાનું હતું.
મિશનનો હેતુ અને મહત્વ
EOS-09 દેશના આતંકવાદ વિરોધી અભિયાન, સરહદી સુરક્ષા અને ખેતી, વનવિભાગ તેમજ આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં ઉપયોગી થવાનું હતું. આ સેટેલાઇટ સી-બેન્ડ સિન્થેતિક એપરચર રડારથી સજ્જ હતું, જે દિવસ અને રાતના કોઈપણ સમયે હવામાનની અસર વગર પૃથ્વીની ઊંચી ગુણવત્તાવાળી છબીઓ પકડી શકે છે.
#WATCH | Sriharikota, Andhra Pradesh | ISRO Chief V Narayanan says, "Today we attempted a launch of PSLV-C61 vehicle. The vehicle is a 4-stage vehicle. The first two stages performed as expected. During the 3rd stage, we are seeing observation…The mission could not be… pic.twitter.com/By7LZ8g0IZ
— ANI (@ANI) May 18, 2025
ભવિષ્ય માટે શું અર્થ ધરાવે છે આ નિષ્ફળતા?
ISRO માટે આ મિશનનો નિષ્ફળ થવું એક તકરારરૂપ અવરોધ છે, ખાસ કરીને જ્યારે અવકાશમાં ભારત પોતાની તકનીકી ક્ષમતા અને સુરક્ષા તંત્રને મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. EOS-09 મિશન સફળ થાત, તો તે ભારતીય સરહદોની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ પુરાવા અને માહિતી પ્રદાન કરત.
ISRO હવે તપાસ કરશે કે ત્રીજા તબક્કે ખામી ક્યાં ઉદભવી, જેથી આગામી મિશનો વધુ ભરોસાપાત્ર બને. આ નિષ્ફળતા છતાં, ISROની સતત પ્રયત્નશીલતા અને સોફ્ટવેર-ટેકનોલોજી ક્ષેત્રે નવીનતમ શોધ આગળ વધતી રહેશે.