Jairam Ramesh જાતિગત વસ્તી ગણતરી પર કોંગ્રેસનું દબાણ: જયરામ રમેશે મોદી સરકારના ઇરાદા પર ઉઠાવ્યા પ્રશ્નો
Jairam Ramesh કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ફરીથી ઉગ્ર નિવેદન આપતાં જણાવ્યું કે દેશમાં જાતિગત વસ્તી ગણતરી શક્ય તેટલી વહેલી તકે થવી જ જોઈએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોર કરતા કહ્યું કે તેઓ માત્ર “હેડલાઇન બનાવવામાં નિષ્ણાત છે, પરંતુ કોઈ ટાઈમલાઈન નથી આપતા”.
જયરામ રમેશે મોદીની તાજેતરની જાહેરાત પર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે યાદ અપાવ્યું કે 2021માં વસ્તી ગણતરી થવાની હતી, પણ સરકારે કોરોનાનું બહાનું બનાવીને તેને અટકાવી દીધી. જ્યારે તે સમયે ઘણા દેશોએ આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
તેઓએ આ બિંદુ પણ ઊઠાવ્યો કે 2021માં વસ્તી ગણતરી માટે સરકારે ₹8,254 કરોડ ફાળવ્યા હતા, જ્યારે હાલ ફક્ત ₹575 કરોડ ફાળવાયા છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યો કે આવી નાની રકમમાં દેશવ્યાપી ગણતરી કેવી રીતે શક્ય છે.
જયરામ રમેશે સરકારને અનામત પરની 50 ટકાની મર્યાદા દૂર કરવા માટે બંધારણમાં સુધારાની પણ માંગ કરી. તેમનું કહેવું છે કે જાતિગત વસ્તી ગણતરી ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે તેના આધારે ફોલો-અપ કાર્યવાહી થાય અને નીતિઓ બદલાય.
તેઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી કે જલ્દીથી સંસદનું વિશેષ સત્ર બોલાવીને આ મુદ્દે કાયદો પસાર કરવો જોઈએ.