જમ્મૂ-કાશ્મીરના પૂલવામાના અવંતિપુરાના ગોરીપુરા વિસ્તારમાં CRPF જવાનોનાં કાફલા પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 42 જવાનો શહીદ હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે 40થી વધુ જવાન ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્તો પૈકી 15 જવાનોની સ્થિતિ ગંભીર છે. CRPFના જવાનોને લઈ જતી બસને ટારગેટ કરવામાં આવી હતી. હુમલામાં અન્ય વાહનોને પણ મોટાપાયા પર નુકશાન થયું છે. હુમલામાં IEDનો ઉપયોગ થયો હોવાની શંકા છે. હુમલાની જવાબદારી જૈશે મહોમ્મદે સ્વીકારી છે.
લશ્કરના અધિકારીએ જણાવ્યું કે CRPFના જવાનોને ટારગેટ કરવામાં આવ્યા છે. આતંકી સંગઠન જૈશે મહોમ્મદે આને આત્મઘાતી હુમલો બતાવ્યો છે. આ હુમલો શ્રીનગરથી માત્ર 20 કિ.મી દુર હાઈવે પર કરવામાં આવ્યો હતો. રક્ષા રાજ્ય મંત્રી સુભાષ ભામરેએ કહ્યું કે દોષીઓને છોડવામા આવશે નહીં.
CRPFના ડીજી આરઆર ભટનાગરે કહ્યું કે જે કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે તેમાં 2500 જવાન સવાર હતા. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ઈજાગ્રસ્તોનું પૂરેપુરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
હુમલા બાદ લશ્કરે હાલ જમ્મૂ-કાશ્મીર હાઈવને બંધ કરી અવંતિપુરા અને તેની આજુબાજુના વિસ્તારોમાં મોટાપાયા પર સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે જૈશે મહોમ્મદના એક આતંકીએ વિસ્ફોટો સાથે ઘસી જઈ લશ્કરની બસને ટક્કર મારી દીધી હતી. બ્લાસ્ટ એટલા મોટા પાયા પર હતો કે બસનું કચ્ચરઘાણ થઈ ગયું હતું. પોલીસે આતંકીની ઓળખ પુલવામાના કાકાપોરા ખાતે રહેતા આદિલ અહેમદ તરીકે કરી છે. પોલીસે કહ્યું કે 2018માં જૈશે મહોમ્મદમાં સામેલ થયો હતો.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હુમલાની કડક નિંદા કરી છે અને ટવિટ કરી જણાવ્યું કે CRPF કાફલા પર થયેલા હુમલાને હું કાયરતાપૂર્ણ ગણું છું. શહીદોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે અને ઈજા પામેલા જવાનોના જલ્દીથી સાજા થવાની પ્રાર્થના કરું છું.
જમ્મૂ-કાશ્મીના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મૂફ્તીએ દુખ સાથે લખ્યું કે આ હુમલાની નિંદા કરવા માટે શબ્દ પણ ઓછા પડી રહ્યા છે.