કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પ્રક્રિયા માટે વિવિધ પક્ષો સાથે વાતચીત કરવા તત્પર છે ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહે કેન્દ્ર ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ ડાયરેકટર દિનેશ્વર શર્માને સરકારના પ્રતિનિધિના રૂપમાં નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. જેનું જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ સ્વાગત કર્યું છે.
રાજનાથ સિંહે કહ્યું હતું કે સરકારના પ્રતિનિધિના રૂપમાં દિનેશ્વર શર્મા જમ્મુ-કાશ્મીરના લોકોની યોગ્ય આકાંક્ષાઓને સમજવા માટે વાતચીત શરૂ કરશે. ગૃહમંત્રીએ કહ્યું કે દિનેશ્વર શર્માને વાતચીત કરવાની પૂરી આઝાદી અપાસે . તેમણે કહ્યું કે વડાપ્રધાન કાશ્મીર મુદ્દાને લઇને ચિંતિત છે. રાજનાથે કહ્યું કે દિનેશ્વર શર્માને કેબિનેટ સેક્રેટરીનો દરજ્જો મળશે. તેમણે કહ્યું કે વાતચીતની કોઇ મર્યાદા નથી અને શર્મા નક્કી કરશે કે કોની સાથે વાત કરવી છે. રાજનાથે કહ્યું કે દિનેશ્વર શર્મા તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ પોતાનો રિપોર્ટ કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને સોંપશે. અલગતાવાદીઓ સાથે વાતચીત પર સિંહે કહ્યું કે તેનો નિર્ણય દિનેશ્વર શર્મા જ કરશે.
ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે વાતચીતની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને કાશ્મીરના યુવાનો પર ખાસ ફોકસ હશે. સરકારના પ્રતિનિધિ દિનેશ્વર શર્માને એ અધિકાર હશે કે તેઓ જે પણ પક્ષ સાથે વાતચીત કરવા માંગે છે તે કરી શકે છે. સિંહે કહ્યું કે સરકાર તમામ રાજકીય પાર્ટીઓ અને જમ્મુ-કાશ્મીરના તમામ પક્ષો સાથે વાતચીત કરવા જઇ રહી છે જેથી કરીને ખીણ વિસ્તારમાં ફરીથી શાંતિ સ્થાપિત થાય.