ભારતમાં વિવિધ સ્થળોએ આવેલા હજારો મંદિરો પૈકી અનેક પૌરાણિક અને ઐતિહાસિક છે. જયારે કેટલાક મંદિરોના રહસ્યો આજદિન સુધી કોઇ જાણી શકયું નથી. હિમાચલ પ્રદેશમાં આવેલા એક મંદિરમાં તેલ કે અન્ય કોઇપણ સહારા વિના ૯-૯ જવાળાઓ સતત ઝળહળતી રહી છે. આની પાછળના રહસ્યને શોધવા વૈજ્ઞાનિકોએ વારંવાર કરેલ શોધ છતાંયે રહસ્ય જાણી શકયા નથી.
હિમાચલ પ્રદેશના કાંગડામાં આવેલ જવાલાદેવીનું મંદિર દેશભરમાં જાણીતું ધાર્મિક તીર્થસ્થળ છે. જેને મા ભગવતીના પ૧ શકિતપીઠો પૈકીનું એક ગણવામાં આવે છે. આ મંદિરને જોતાવાલી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રચલિત માન્યતાઓ અનુસાર આ સ્થળે માતા સતીની જીભ પડી હતી. જયાં મા ભગવતી જવાળાના રૂપમાં બિરાજમાન છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં મા ભગવતીની કોઇ મૂર્તિ કે પ્રતિમા સ્થાપિત નથી. જયારે આ સ્થળે પૃથ્વીના ગર્ભની નીકળતી ૯ જવાળાઓની પૂજા કરવામાં આવે છે. નવાઇની વાત એ છે કે સદીઓથી જવાળાદેવી મંદિરમાં ૯ જવાળાઓ ઝળહળી રહી છે. ભૂ વૈજ્ઞાનિકોએ પણ તેનું કારણ શોધવા માટે અનેક કિલોમીટર સુધી ખોદકામ કર્યુ હતું. પરંતુ રહસ્યનો તાગ મેળવી શકાયો નહતો.
જવાળાદેવી મંદિરમાં તેલ કે દિવેટ વિના સદીઓથી ૯ જવાળાઓ સતત ઝળહળે છે. જે તમામ માતાજીના ૯ સ્વરુપોના પ્રતિક માનવામાં આવે છે. મંદિરમાં ઝળહળતી સૌથી મોટી જવાળાને માતા જવાલા તરીકે પૂજવામાં આવે છે. જયારે અન્ય ૮ જવાળાઓમાં મા અન્નપૂર્ણા, મા વિંધ્યવાસિની, માં ચંડી, મા મહાલ-મી, મા હિંગલાઝ, મા સરસ્વતી, મા અંબિકા દેવી અને મા અંજીની ઉપાસના કરવામાં આવે છે.
માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ સૌથી પહેલા રાજા ભૂમિચંદે કરાવ્યું હતું. ત્યારબાદ વર્ષ ૧૮૩પમાં મહારાજા રણજીતસિંહ અને રાજા સંસારચંદે તેનું પુર્નનિર્માણ કરાવ્યું હતું. જવાળાદેવી મંદિરની રહસ્યમય જવાળાઓ સાથે જોડાયેલ પૌરાણિક કથા અનુસાર ગોરખનાથ મા જવાળાના અનન્ય ભકત હતા. એક વખત ભૂખ લાગવાથી ગોરખનાથે માતાને ગરમ પાણી મૂકવાનું કહીને ભિક્ષા લેવા ગયા હતા. પરંતુ તેઓ પરત આવ્યા નહતા.
આથી માન્યતા છે કે આ તે જવાળા છે જે માતાજીએ પ્રજવલ્લિત કરી હતી. આ જવાળાથી થોડે દૂર આવેલા કુંડમાંથી સતત વરાળ નીકળ્યા કરે છે. જેને ગોરખનાથની ડિબ્બી કહેવાય છે. એમ પણ કહેવાય છે કે આ મંદિરની રહસ્યમય જવાળાઓ અંગે જાણ થતા રાજા અકબર સેેના લઇને ત્યાં પહોંચ્યો હતો. તેણે સેનાની મદદથી અનેક વખત જવાળાઓને બુઝાવવાની કોશિશ કરી હતી. પરંતુ દરેક વખત તે નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ તેણે આ સ્થળે ખોદકામ કરાવ્યું હતું. છતાંયે જવાળાઓ બુઝાઇ નહતી. આ ઘટનાઓ બાદ ખુદ બાદશાહ અકબર માતાજીના ચમત્કાર આગળ નતમસ્તક થઇ ગયો હતો અને સોનાનું છત્ર ચઢાવવા માટે માતાજીના દરબારમાં પહોંચ્યો હતો. પરંતુ માતાજીએ તેનું છત્ર સ્વીકાર્યુ ન હોવાની લોકવાયકા છે.