દેશમાં વિવિધ સરકારી સંસ્થાઓ અને એનજીઓ સેનિટરી પેડના ઉપયોગ વિશે લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે. હાલ માર્કેટમાં ઘણા એવા સેનિટરી પેડ પણ છે કે જે ઇકોફ્રેન્ડલી છે, પર્યાવરણને નુકસાન કરતા નથી. ગોવાની જયશ્રી પરવાર બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ બનાવે છે. તેઓ ગોવાની પેડવુમન તરીકે ઓળખાય છે, જેઓ ઘરે જ બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડનું ઉત્પાદન કરે છે.
જયશ્રીએ જણાવ્યું કે, અમારા સેનિટરી પેડ પર્યાવરણને અનુકૂળ છે. આ પેડ દેવદાર વૃક્ષના લાકડાંમાંથી બનેલા કાગળ, સિલિકોન પેપર અને બટર પેપરમાંથી બને છે. હું વર્ષ 2015થી આ રીતે સેનિટરી પેડનું ઉત્પાદન કરું છું. સામાન્ય સેનિટરી પેડ બાયોડિગ્રેડેબલ હોતા નથી. અમારા પેડ દેવદાર વૃક્ષની લાકડીના કાગળમાંથી બન્યા છે, આ પેડ માટીના સંપર્કમાં આવ્યાને 8 દિવસની અંદર ભળી જાય છે.
જયશ્રીની મહિલા ટીમનું નામ ‘સહેલી’ છે. ચાર મશીનો દ્વારા રોજ 100 સેનિટરી પેડનું ઉત્પાદન થાય છે. અત્યાર સુધી સહેલીએ કુલ 2000થી વધારે પેડનું ઉત્પાદન અને તેનું વેચાણ કરી દીધું છે, આ પેડને ‘સખી’ નામ આપવામાં આવ્યું છે. સખી સેનિટરી પેડ માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં પોતાનું નામ બનાવી લીધું છે. બીજા દેશોમાં સેનિટરી પેડનું વેચાણ ઓનલાઇન ચેનલથી મદદથી કરવામાં આવે છે.
જયશ્રીએ કહ્યું કે, હાલ અમને સ્થાનિક લોકો પાસેથી જોઈએ એવો રિસ્પોન્સ મળી રહ્યો નથી, પણ ઓનલાઇન માગ સારી છે. મારા માટે આ સફર સરળ રહ્યો નથી. હું જ્યારે એક્ઝિબિશનમાં મારો સ્ટોર ખોલતી હતી ત્યારે લોકો સેનિટરી પેડને જોઈને મોઢું ફેરવી લેતા હતા.
બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડનું ઉત્પાદન જયશ્રી તેના ઘરે જ કરે છે. આ કામથી તે પોતાના ગામ મલગાવની મહિલાઓને પણ રોજગારી પૂરી પાડે છે. હાલ આ પેડ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર ઉપલબ્ધ છે. જયશ્રીની ઈચ્છા છે કે, ભવિષ્યમાં તે દેશમાં વધાર જગ્યાએ પોતાની દુકાન ખોલે અને મોટા ભાગે મહિલાઓ બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડનો જ ઉપયોગ કરે