હાજીપુરના સરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જલાલપુરમાં સત્તારૂઢ જનતા દળ યુનાઈટેડ JDU ના નેતાની કારે રસ્તાના કિનારે ઉભેલા સાત લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે લોકોને પીએમસીએચમાં રિફર કરવામાં આવ્યા છે. અન્ય ચાર ઘાયલ લોકોની હાજીપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કહેવાય છે કે, જનતા દળ યુનાઈટેડના નેતા અને ઝડપભેર સ્કોર્પિયો ગાડીમાં બેઠેલા ચાલક અકસ્માત બાદ વાહનમાંથી નીચે ઉતરી ભાગી ગયા હતા. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોએ રસ્તા પરથી પસાર થતા વાહનોને અટકાવ્યા હતા અને તોડફોડ પણ કરી હતી.
ઘટના અંગે એસડીપીઓ ઓમ પ્રકાશે કહ્યું કે ત્રણ લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ગ્રામજનોનું કહેવું છે કે 7 લોકો ઘાયલ થયા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. જનતા દળ યુનાઈટેડના સ્ટીકરવાળા વાહનમાં અકસ્માત થયો હતો. આ કાર જનતા દળ યુના કયા નેતાની છે તે હજુ સુધી બહાર આવ્યું નથી.