JP Nadda on Operation Sindoor ઓપરેશન સિંદૂરની સ્થિતિ વચ્ચે આરોગ્ય મંત્રાલય સજાગ, જેપી નડ્ડાએ ઊંચી સ્તરે સમીક્ષા બેઠક બોલાવી
JP Nadda on Operation Sindoor ભારત દ્વારા શરૂ કરાયેલ ‘ઓપરેશન સિંદૂર’ના પગલે દેશભરમાં કટોકટી સ્થિતિનો અહેસાસ ફેલાયો છે. પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવના પડઘા સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ જોવા મળી રહ્યા છે. આવા સંજોગોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને સમગ્ર દેશમાં કટોકટી આરોગ્ય સેવાઓ અંગેની તૈયારીની સમીક્ષા કરી.
આ બેઠકમાં આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી અને તેમણે હોસ્પિટલોમાં ઉપલબ્ધ તબીબી સાધનો, દવાઓ, આરોગ્ય કર્મચારીઓની તૈનાતી અને એમ્બ્યુલન્સ સેવાઓ અંગે માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે તમામ હોસ્પિટલોમાં ICU, HDU અને સામાન્ય પથારીઓ તૈયાર રાખવામાં આવી છે અને જરૂરી દવાઓ, ઉપકરણો અને રક્તની ઉપલબ્ધતાની સુનિશ્ચિતતા કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે, AIIMS, JIPMER અને PGIMER જેવી અગ્રણી આરોગ્ય સંસ્થાઓમાં મોક ડ્રીલના માધ્યમથી તાત્કાલિક પ્રતિસાદ માટે ડોક્ટરો અને સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે. સાથે સાથે, મોબાઇલ ટ્રોમા યુનિટ અને ભીષ્મ ક્યુબ્સ જેવી ટેક્નોલોજી પણ તૈયાર સ્થિતિમાં રાખવામાં આવી છે. AIIMS દિલ્હી સહિત દેશભરની કેન્દ્ર સરકારની હોસ્પિટલોના તબીબી સ્ટાફને પણ તૈયાર રાખવામાં આવ્યા છે જેથી જરૂર પડે ત્યારે તેમને તાત્કાલિક તૈનાત કરી શકાય.
રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર, ખાનગી હોસ્પિટલો અને સશસ્ત્ર દળો સાથે સંકલન કરીને સંપૂર્ણ આરોગ્ય ઇકોસિસ્ટમ કાર્યરત રાખવાની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે 24×7 નિયંત્રણ કેન્દ્રની પણ રચના કરી છે, જે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે.
જેપી નડ્ડાએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે સરહદી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સક્રિય રાખવામાં આવે અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર રહે. દેશ માટે સંવેદનશીલ સમયમાં આરોગ્ય વ્યવસ્થાની આ તૈયારી મહત્વપૂર્ણ છે.