Constitution Killing Day: કેન્દ્ર સરકારે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી, તેથી હવે ભારત સરકારે દર વર્ષે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને યાદ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વિટ કર્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું,
’25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા બતાવતા દેશમાં ઈમરજન્સી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું. લાખો લોકોને કોઈપણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો. ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ આપણને 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનની યાદ અપાવે છે.
તેમણે આગળ લખ્યું કે
‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેમણે અસંખ્ય યાતનાઓ અને જુલમનો સામનો કર્યો હોવા છતાં લોકશાહીને પુનર્જીવિત કરવા માટે લડ્યા છે . ‘કોન્સટિટયુશન મર્ડર ડે’ લોકશાહીનું રક્ષણ કરવા અને દરેક ભારતીયની અંદર વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતને જીવંત રાખવા માટે કામ કરશે, જેથી ભવિષ્યમાં કોંગ્રેસ જેવી કોઈ સરમુખત્યારશાહી માનસિકતા તેનું પુનરાવર્તન ન કરી શકે.