Kapil Sibal કપિલ સિબ્બલનું નિવેદન: સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના નિર્ણયને મૈત્રીપૂર્ણ સમર્થન, સાથે જ આતંકવાદ સામે કડક વલણની માંગ
Kapil Sibal આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામે ભારતની ભૂમિકા મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મોકલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો દેશની અંદર રાજકીય સ્તરે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના પ્રતિનિધિમંડળમાં સમાવેશ થયાના પગલે વિવાદ ઊભો થયો છે. આ વિવાદ વચ્ચે પૂર્વ કાયદામંત્રી અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે.
તેમણે જણાવ્યું કે, “હું શશિ થરૂર સંબંધિત વિવાદમાં પડવા માંગતો નથી.” તેમ છતાં, તેમણે કેન્દ્ર સરકારના નિર્ણયને સકારાત્મક કહ્યું અને જણાવ્યું કે તેમણે ઘણા સમયથી આવી પહેલ માટે માંગ કરી હતી.
મુંબઈ હુમલા પછી પણ આવી પહેલ થઈ હતી
સિબ્બલે યાદ કરાવ્યું કે 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ મનમોહન સિંહ સરકારે પણ આવા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો વિદેશોમાં મોકલ્યા હતા. “મને પણ તેમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે સમયની પ્રયાસોથી પાકિસ્તાનના આતંકવાદી રોલ વિશે વિશ્વ સમુદાયને જાણકારી મળી હતી અને ફાયદાકારક પરિણામો જોવા મળ્યા હતા,” તેમ તેમણે જણાવ્યું.
તેમણે ઉમેર્યું કે આ સમયગાળા પછી કાશ્મીરમાં આતંકી હમલાઓમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે 2014 પછી એવામાં વધારો થયો છે.
પાકિસ્તાનને ‘આતંકવાદી રાષ્ટ્ર’ જાહેર કરવાની માંગ
કપિલ સિબ્બલે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની વિદેશ નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. “પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ‘આતંકવાદી રાષ્ટ્ર’ તરીકે જાહેર કરવું જોઈએ,” તેમ તેમણે જણાવ્યું.
તેમણે જણાવ્યું કે પ્રતિનિધિમંડળો ફક્ત રાજકીય નેતાઓ સાથે નહીં પરંતુ સામાન્ય નાગરિકો સાથે પણ સંવાદ કરે અને આતંકવાદના ભયાવહ પ્રભાવને ઉજાગર કરે.
સરકારની પ્રશંસા પણ કરી
સિબ્બલે જણાવ્યું કે કદાચ મોદી સરકારે તેમની અગાઉની માંગણીઓ સાંભળી છે. “આ ખુશીની વાત છે. અમે પહેલગામ હુમલા પછી સંસદમાં વિશેષ સત્ર બોલાવવાની પણ માગણી કરી હતી. આ યોગ્ય દિશામાં પગલાં છે,” તેમ તેમણે ઉમેર્યું.