UPSC દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષા 2019 નું પરીણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું છે. સંધ લોક સેવા આયોગની પરીક્ષામાં કુલ 829 ઉમેદવારો પરીક્ષામાં ઉતીર્ણ થયા છે. જેમાં સામાન્ય શ્રેણીની 304, પછાત વર્ગના 251, અનુસુચિત જાતિના 129, અનુસુચિત જન-જાતિના 67 અને આર્થિત રીતે પછાતના 78 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મધ્ય પ્રદેશના પ્રદિપ સિંધે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, બીજા સ્થાને જતિન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા ઉતિર્ણ થયા છે. UPSC ટોપ-10 માં 10 યુવતીઓએ સ્થાન મેળવ્યું છે. આ તમામ પૈકી સફળ ઉમેદવારોને તેમના રેન્ક અને પસંદ પ્રમાણે સેવા ફાળવવામાં આવી છે. IAS સેવામાં 180 ઉમેદવારો, IPS માટે 105 ઉમેદવારો, વિદેશ સેવા માટે 24 , કેન્દ્રીય સેવા ગૃપ માટે 438 અને ગ્રુપ બી માટે 135 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
UPSC ની પરીક્ષામાં ગુજરાતમાંથી 7 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. જેમાં મૂળ સૌરાષ્ટ્રના અને હાલ સુરતમાં રહેતા કાર્તિક જીવાણીએ 84 મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવીને સમગ્ર ગુજરાતમાં ટોપ કર્યું છે. વર્ષ 2018 ની પરીક્ષામાં પણ કાર્તિક જીવાણીએ દેશમાં 94 મો ક્રમ મેળવ્યો હતો, પણ આ રેન્કમાં તેમનું IAS બનવાનું સપનું પુરું ન થતા તેણે 2019 માં ફરી પરીક્ષા આપીને દેશમાં 84 મો રેન્ક મેળવ્યો છે અને ધારી સફળતા પ્રાપ્ત કરી છે.
2018 ના વર્ષમાં પણ કાર્તિક જીવાણીએ સમગ્ર દેશમાં 94 મો ક્રમ અને ગુજરાતમાં ટોપ કર્યું હતું , પણ જ્યારે તેઓ ઈન્ટરવ્યું આપવા ગયા ત્યારે 93 માં ક્રમ સુધી IAS ની પસંદગી થી ગઈ હતી અને કાર્તિકને દેશના IPS માં પ્રથમ સ્થાન મળ્યું હતું. તેઓ IPS ની ટ્રેનિંગમાં પણ જોડાયા હતા. પણ IAS બનવાની પ્રબળ ઈચ્છાને કારણે તેઓ ટ્રેનિંગ અધુરી મુકીને ફરીથી યુપીએસસીની તૈયારીમાં લાગી ગયા. સપ્ટેમ્બરમાં યોજાયેલી પરીક્ષાના આજે જાહેર થયેલા રિઝલ્ટમાં તેમણે 84 મો ક્રમ મેળવ્યો છે. કાર્તિક જીવાણી બોમ્બે આઈ.આઈ.ટીમાંથી મિકેનિકલ એન્જીનિયરીંગની ડિગ્રી મેળવીને સતત બે વખત યુપીએસસીની પરીક્ષા આપીને ગુજરાતમાં ટોપમાં આવનાર પહેલા વ્યક્તિ છે.
સુરતમાં પેથોલોજી લેબ ચલાવતા ડો. નાગજી જીવાણીના પુત્ર કાર્તિક જીવાણીએ ગુજરાત મિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમનો જન્મ 1994 માં પ્લેગના રોગચાળા દરમિયાન થયો હતો. ત્યારબાદ સુરત આગળ વધ્યું અને સુરતના મહાનગર પાલિકાના તાત્કાલિન કમિશનર એસ.આર.રાવની કામગીરીથી કાર્તિક પ્રભાવિત થયા હતા. એક વખત તેઓ રેલ્વે સ્ટેશન ગયા હતા ત્યાં તેમણે કમિશનર રાકેશ અસ્થાનાનો મોભો જોયો ત્યારથી મનમાં નક્કી કર્યું હતું કે મારે દેશની સેવા કરવી છે. મુંબઈ આઈ.આઈ.ટીમાં એન્જીનિયરીંગ દરમિયાન તેમણે યુપીએસઈનું મટિરીયલ ભેગું કરી લીધું હતું. ધો. 7 સુધી સુરતની શાળામાં ગુજરાતી મિડીયમમાં અભ્યાસ કરીને ધો. 8 થી તેમણે અંગ્રેજી મિડીયમ જોઈન કર્યું હતું. છેલ્લા બે વર્ષ કોઈ પણ પ્રકારના કોચિંગ કે ટ્રેનિંગ વગર ફક્ત યુટ્યૂબના વિડીયોમાંથી મટીરિયલ એકઠું કરી બે વર્ષ સખત મહેનત કરીને સમગ્ર દેશમાં 84 મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.
ગુજરાતના UPSC પાસ કરનાર 7 ઉમેદવારો
જીવાણી કાર્તિક -84
ડોબરીયા ચિંતન – 376
હીરેન બારોટ -538
પિંકેશ પરમાર- 575
રુપેલા સંદીપ- 701
અગ્જા પ્રણવ – 755
પ્રિયાંક પટેલ – 799