કરવા ચોથનું વ્રત પરણિતા મહિલાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આખું વર્ષ મહિલાઓ આ વ્રતની રાહ જુએ છે. આ વર્ષે કરવા ચોથનું વ્રત 17 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. મહિલાઓ આ દિવસે નિર્જળા વ્રત રાખીને પતિના દીર્ઘાયુની કામના કરે છે. આ વ્રત સવારે સૂર્યોદયથી શરૂ થાય છે અને સાંજે ચંદ્રોદય થાય ત્યાં સુધી રાખવાનું હોય છે. સાંજે ચંદ્રના દર્શન કરી તેને અર્ધ્ય આપીને પતિના હાથેથી પાણી પીને મહિલાઓ વ્રત ખોલે છે. આ દિવસે ચોથ માતા અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે રોહિણી નક્ષત્ર સાથે મંગળનો યોગ હોવો ખૂબ જ મંગળકારી બની રહ્યો છે. આ દિવસે ચોથ માતા અને ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે.
કરવાનો અર્થ માટીનું વાસણ અને ચોથ એટલે ચોથ તિથિનો દિવસ. આ દિવસે મહિલાઓ નવો કરવડો (માટીનું વાસણ) ખરીદે છે અને તેને સુંદર સજાવે છે. કરવા ચોથના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને સરગી ખાઇને વ્રતની શરૂઆત કરે છે. ત્યાર બાદ મહિલાઓ આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે. ત્યાર બાદ સાંજે ચાળણીથી ચંદ્ર જોવે છે. ત્યાર બાદ પતિની આરતી ઉતારીને વ્રત ખોલે છે.
ગ્રહોની સ્થિતિઃ
ચંદ્ર અને બૃહસ્પતિનો દ્રષ્ટિ સંબંધ હોવાથી ગજકેસરી નામનો રાજયોગ બને છે. ગ્રહોની આવી સ્થિતિ ગયા વર્ષે પણ બની હતી, પરંતુ બુધ અને કેતુના કાણે ચંદ્રના પીડિત હોવાથી રાજયોગ ભંગ થઇ ગયો હતો, પરંતુ આ વર્ષે એવું થશે નહીં. બૃહસ્પતિ સિવાય ચંદ્ર પર કોઇપણ અન્ય ગ્રહની દ્રષ્ટિ ન હોવાથી પૂર્ણ રાજયોગ બની રહ્યો છે. આ પહેલાં 12 ઓક્ટોબર 1995એ કરવા ચોથના દિવસે પૂર્ણ રાજયોગ બન્યો હતો. ત્યાં જ, બૃહસ્પતિ અને ચંદ્રનો દ્રષ્ટિ સંબંધ 2007 માં પણ બન્યો હતો. પરંતુ શનિની વક્ર દ્રષ્ટિના કારણે ચંદ્રના પીડિત હોવાથી રાજયોગ ભંગ થઇ ગયો હતો.
મહાભારતકાળથી પરંપરા છેઃ
કરવાચોથની સૌથી પહેલાં શરૂઆત સાવિત્રીના પતિવ્રતા ધર્મ સાથે થઇ હતી. સાવિત્રીએ તેની દ્દઢ પ્રતિજ્ઞાથી મૃત્યુ પામેલાં પતિને યમરાજ પાસેથી ફરી પ્રાપ્ત કર્યો હતો. બીજી કહાણી પાંડવોની પત્ની દ્રૌપદીની છે. વનવાસ કાળમાં અર્જુન તપસ્યા કરવા માટે નીલગિરીના પર્વત ઉપર ગયો હતો. દ્રૌપદીએ અર્જુનની રક્ષા માટે ભગવાન કૃષ્ણ પાસે મદદ માંગી હતી. તેમણે દ્રૌપદીને તેવો જ ઉપવાસ કરવા માટે કહ્યું જેવો માતા પાર્વતીએ ભગવાન શિવ માટે કર્યો હતો. દ્રૌપદીએ તે ઉપવાસ કર્યો અને થોડાં સમય બાદ અર્જુન સુરક્ષિત પાછો ફર્યો હતો.