Kathua Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં થયેલા આતંકી હુમલા બાદ હજુ પણ આતંકીઓ સાથે સેનાનું એન્કાઉન્ટર ચાલુ છે. આ હુમલામાં 4 જવાન શહીદ થયા હતા.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ઘૂસી આવેલા આતંકવાદીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ પણ ફેંક્યો, જેમાં ચાર જવાન શહીદ થયા અને ચાર જવાન ઘાયલ થયા. આતંકીઓ સાથે ભારતીય સેનાનું એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. આ સાથે સેનાએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
આ બાબતે માહિતી આપતાં એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, “કઠુઆના માચેડી વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા છે, જ્યારે એટલી જ સંખ્યામાં સૈનિકો ઘાયલ થયા છે. આ અથડામણ ચાલી રહી છે. સૈનિકો અને આતંકવાદીઓની વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, શરૂઆતી હુમલા બાદ આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો અને પછી ગોળીબાર શરૂ કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી પરંતુ આતંકવાદીઓ નજીકના જંગલમાં ભાગી ગયા હતા.
આતંકીઓ સાથે સેનાનું એન્કાઉન્ટર ચાલુ છે
અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના કઠુઆ શહેરથી 150 કિલોમીટર દૂર લોહાઈ મલ્હારના બદનોટા ગામમાં બની હતી, જ્યારે સેનાના કેટલાક વાહનો આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતા. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી જેમાં બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, સૈન્ય વાહન પરના આ આતંકવાદી હુમલા પછી, આ વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને બિલવર તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ પણ દરેક વાહનોનું ચેકિંગ કરી રહી છે.
6 આતંકીઓને માર્યા બાદ જવાનો પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો
અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં જમ્મુ ક્ષેત્રમાં ભારતીય સેના પર આ બીજો હુમલો છે. આ પહેલા રવિવારે રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક જવાન ઘાયલ થયો હતો. તે જ સમયે, કુલગામમાં હુમલા દરમિયાન, સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે, “મોદરગામ એન્કાઉન્ટર સાઇટ પરથી બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે રવિવારે ચિન્નીગામ એન્કાઉન્ટર સાઇટ પરથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા.”