જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સેનાએ સોમવારે અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ઉમર ખાલિદને ઠાર કર્યો હતો. પાકિસ્તાની આતંકી ઉમરના માથે 7 લાખ રૂપિયાનું ઈનામ હતું. થોડા દિવસો પહેલા બીએસએફ કેમ્પ પર થયેલા હુમલાનો તે માસ્ટર માઇન્ડ હતો. સિક્યુરિટી ફોર્સને તેના ઠેકાણાની માહિતી એક ગર્લફ્રેન્ડે આપી હતી. પ્રેગનન્ટ થયા બાદ ઉંમરે તેને તરછોડી દીધી હતી. જેનો તે બદલો લેવા માંગતી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઉમરના આ વિસ્તારમાં 17 છોકરીઓ સાથે સંબંધ હતા. જેમાંથી એક પ્રેગનન્ટ થઈ હતી. જે અંગે વાત કરતા ખાલિદે તેની સાથે સંબંધ કાપી નાંખ્યો હતો. છોકરીની બદનામી થતાં તેણે પંજાબમાં જઈને અબોર્શન કરાવ્યું હતું. ઉમર સાથે બદલો લેવા તે પોલીસને દરેક ગતિવિધિની માહિતી આપવા લાગી.
પોલીસે જણાવ્યું કે ખાલિદ પાકિસ્તાની હતો. છેલ્લા 2-3 વર્ષથી તે આ વિસ્તારમાં સક્રિય હતો. આતંકી જૂથો માટે તે લોકોની ભરતી કરતો હતો. તાજેતરમાં જ તેણે હંદવાડામાં પોલીસ ઓફિસર અને તેના 7 વર્ષના દીકરા પર અટેક કર્યો હતો. ખાલિદ A++ કેટેગરીનો આતંકી હતો અને તેના પર 7 લાખ રૂપિયાનું ઇનામ હતું.
જમ્મુ-કાશ્મીરના ડીજી એસપી વૈદે કહ્યું કે, બારામૂલામાં રાફિયાબાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આતંકવાદી સંગઠનનો જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર ખાલિદ માર્યો ગયો. આર્મીએ એક આતંકીને ટ્રેપ કર્યો હતો. ખાલિદ એક ઘરમાં છુપાઈને બેઠો હતો, જ્યાં સેનાએ તેને ઢેર કરી દીધો છે. ખાલિદના પગમાં ગોળી વાગી હતી જે બાદ તેને ઘેરીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું.ગત સપ્તાહે પણ બારામૂલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ પાસેથી બે હથિયાર પણ જપ્ત કરાયાં હતા. બારામૂલાની 19 ડિવિઝનના જનરલ આર.પી.કલિતાએ કહ્યું હતું કે 60-70 પાકિસ્તાન ઘૂસણખોરો સરહદપાર કરવા તૈયાર છે.