પાકિસ્તાનમાં શીખ યુવતીનું અપહરણ કરી તેને જબરદસ્તીથી ઈસ્લામ ધર્મ કબુલ કરાવવાના મામલે હવે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ શીખ યુવતીનું અપહરણ કરનાર આરોપી પાકિસ્તાની આતંકી છે. તે ખુંખાર આતંકી અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત ઉદ દાવાનો સભ્ય છે. આ આતંકીનું નામ મોહમ્મદ હસન કહેવાય છે. તો બીજી બાજુ ભારત સહિત ચારેબાજુથી દબાણ આગળ પાકિસ્તાને આ મામલે ઝૂકવું પડ્યું છે અને આકરી કાર્યવાહી પણ કરવી પડી છે. શીખ યુવતીને જબરદસ્તીથી મુસ્લિમ ધર્મ સ્વીકાર કરાવવાના મામલે પાકિસ્તાને ભારતના દબાણમાં 8 લોકોની ધરપકડ કરી છે.
પાકિસ્તાનમાં શીખ સમુદાયની યુવતીના અપહરણને લઈને ઈમરાન સરકાર પર અલ્પસંખ્યકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. પાકિસ્તાન શીખ કાઉન્સિલના સભ્યોનું કહેવું છે કે પાકિસ્તાનમાં કોઈ સુરક્ષિત નથી. શીખ યુવતી પર અત્યાચાર વિરુદ્ધ ભારતમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. દેશના અલગ અલગ ભાગોમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યાં છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના અહેવાલો બાદ હવે શીખ યુવતીને પણ જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાનો મામલો સામે આવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે કેટલાક યુવકોએ શીખ યુવતીને બંદૂકની અણીએ ઉઠાવી જઈ તેને ઈસ્લામ કબુલ કરાવ્યો અને તેનો આખો વીડિયો પણ બનાવ્યો.
પાકિસ્તાનના નાનકાના સાહિબમાં ગુરુદ્વારા તંબી સાહિબના એક ગ્રંથીની પુત્રી છેલ્લા 3 દિવસથી ગુમ હતી. ગુરુવારે એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા અને ઈસ્લામ ધર્મ અપનાવ્યા બાદ યુવતી સામે આવી હતી. સામે આવેલા વીડિયોમાં એક મૌલવી જાગીર કૌરને આયેશા કહીને બોલાવી રહ્યો છે જો કે તે તેના પિતાનું નામ બરાબર બોલી રહ્યો છે. ત્યારબાદ મૌલવી એમ પણ કહેતો સાંભળવા મળ્યો કે તમે તમારી મરજીથી ઈસ્લામ ધર્મ કબુલી રહ્યાં છો અને આ યુવક સાથે લગ્ન કરી રહ્યાં છો. આ સમગ્ર વીડિયોમાં છોકરી એકદમ ડરેલી જોવા મળે છે. તેની સાથે બેઠેલો યુવક આ યુવતી સાથે લગ્ન કરવા માટે સહમતિ વ્યક્ત કરતો જોવા મળે છે.