હિમાચલમાં પણ જૂનનો મહિનો સૌથી ગરમ મનાય છે, પરંતુ નવ વર્ષ પછી હિમાચલમાં જૂનમાં દિવસ-રાત સૌથી ઠંડા નોંધાયા છે. સિમલામાં 2011 પછીનું મહત્તમ અને લઘુતમ તાપમાન રેકોર્ડ કરાયું છે. સ્થિતિ એ છે કે, ગરમીમાં પણ અહીંના લોકો ઠંડીના કારણે ગરમ કપડાં પહેરીને ફરી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા સાત દિવસમાં થયેલા વરસાદને પગલે તાપમાન ખાસ્સું ઘટ્યું છે. અહીં હજુ થોડા દિવસ આવું જ વાતાવરણ રહેશે અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અને કરા પડશે. હવામાન નિષ્ણાતો વાતાવરણમાં આવેલા આ ફેરફાર પાછળ લૉકડાઉનને પણ કારણ માની રહ્યા છે.
સિરમૌરના ચુદધરમાં 42 વર્ષ પછી 25 ફૂટ બરફ પડ્યો છે. ભારે બરફવર્ષાને પગલે ચુડધરમાં આશરે સાડા ચાર મહિના સુધી વીજળી ગુલ હતી. પાંચ મહિનાથી વધુ સુધી અહીંના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ પીવાના પાણીની પણ અછત રહી. આ પહેલા 1978માં ચુડધરમાં આશરે 27 ફૂટ બરફ પડ્યો હતો. રોહતાંગ પાસ આ વખતે શાંત દેખાઈ રહ્યો છે. પ્રવાસીઓની અવરજવરને પગલે જૂનમાં બરફ પીગળવા માંડે છે, પરંતુ આ વખતે હજુ સુધી બરફની સફેદ ચાદર પથરાયેલી છે. પ્રવાસીઓના વાહનોમાંથી નીકળનારા કાર્બનથી બરફ પર કાળાશ જમા થઈ જતી હતી અને પીગળવાની ગતિ પણ વધુ હતી. જોકે, આ વખતે વાહનોના ધુમાડા અને ઓછી વસતીને પગલે વાતાવરણ હજુ ઠંડુ હોવાથી બરફ જોવા મળી રહ્યો છે.