નોરતાના છેલ્લાં દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાઓમાં માતા સિદ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દેવીઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાન પ્રમાણે કરતાં ભક્તો દુર્ગાપૂજાના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરે છે. માતા સિદ્ધિદાત્રી ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરે છે. દેવીપુરાણ પ્રમાણે ભગવાન શિવે તેમની કૃપાથી જ આ સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી. તેમની અનુકંપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું થયું હતું. આ કારણે તેઓ લોકમાં અર્ધનારીશ્વર નામથી પ્રસિદ્ધ થયાં.
દેવીનું સ્વરૂપઃ-
માતા દુર્ગાની નવ શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. માતા સિદ્ધિદાત્રી ચાર ભુજાઓ વાળી છે. તેમનું વાહન સિંહ છે. તે કમળ ફૂલ ઉપર બિરાજમાન છે. તેમના જમણી બાજુના ઉપરના હાથમાં ગદા અને નીચેના હાથમાં ચક્ર છે. ડાબી બાજુ ઉપરના હાથમાં કમળનું ફૂલ અને નીચેના હાથમાં શંખ છે.
પૂજાનું મહત્વઃ-
અંતિમ દિવસે ભક્તોએ પૂજા કરતી વખતે તેમનું બધું જ ધ્યાન નિર્વાણ ચક્ર જે આપણાં કપાળની વચ્ચે સ્થિત હોય છે, ત્યાં લગાવવું જોઇએ. આવું કરવાથી દેવીની કૃપાથી આ ચક્ર સાથે સંબંધિત શક્તિઓ ભક્તોને પ્રાપ્ત થઇ જાય છે. સિદ્ધિદાત્રીના આશીર્વાદ બાદ શ્રદ્ધાળુ માટે કોઇ કાર્ય અસંભવ રહેતું નથી અને તેને દરેક પ્રકારના સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઇ જાય છે.