KRK તરીકે જાણીતા અભિનેતા કમલ આર. ખાનને એક કેસમાં કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જો કે તે હજુ પણ જેલમાં જ રહેશે. હાલમાં, વર્ષ 2021માં વર્સોવા પોલીસ દ્વારા તેની સામે નોંધાયેલા છેડતીના કેસમાં તેને જામીન મળી ગયા છે. અભિનેતા અક્ષય કુમાર અને ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા વિશે વિવાદાસ્પદ ટ્વિટ્સના 2020 કેસમાં બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ તેમની જામીન અરજી હજુ પણ પેન્ડિંગ છે.
માહિતી અનુસાર, ટ્વીટ કેસમાં તેમની જામીન અરજી પર બોરીવલી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં 7 સપ્ટેમ્બર એટલે કે આજે સુનાવણી થઈ શકે છે. કથિત અપમાનજનક ટ્વીટ કરવા બદલ KRKની 30 ઓગસ્ટે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી અને બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
જે બાદ 4 સપ્ટેમ્બરે વર્સોવા પોલીસે છેડતીના કેસમાં તેને કસ્ટડીમાં લીધો હતો અને તેને બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. KRKના વકીલો અશોક સરોગી અને જય યાદવે બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાવો કર્યો હતો કે FIRમાં કથિત છેડતી હકીકતમાં સાચી નથી.
કેઆરકેના વકીલ યાદવે કોર્ટને જણાવ્યું કે ઘટનાના 18 મહિના પછી FIR નોંધવામાં આવી હતી અને તે પણ પીડિતાના મિત્રના કહેવા પર. તેમણે વધુમાં દલીલ કરી હતી કે ખાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ જામીનપાત્ર છે. જે બાદ કોર્ટે ખાનની અરજીને મંજૂરી આપી હતી.
તમને જણાવી દઈએ કે કમલ પર એક્ટ્રેસ, સિંગર અને ફિટનેસ મોડલ દ્વારા છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેણીનો આરોપ છે કે તે 2017માં મુંબઈ આવી હતી. આ દરમિયાન તે કેઆરકેને ઘરની પાર્ટીમાં મળી હતી. તે સમયે કેઆરકેએ પોતાને નિર્માતા તરીકે ઓળખાવ્યો હતો અને બંનેએ ફોન નંબરની આપ-લે કરી હતી. KRKએ તેને વચન આપ્યું હતું કે તે તેને ફિલ્મ ‘કેપ્ટન નવાબ’માં લીડ રોલ આપશે, જેમાં તેની સાથે ઈમરાન હાશ્મી હશે. પરંતુ KRKએ આવું ન કર્યું, ઊલટું તેણે પોતાને ફોન કરીને અભદ્ર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. આ સિવાય ફરિયાદીએ KRK પર તેને દારૂ પીવડાવીને સેક્સ્યુઅલ ફેવર મેળવવાનો પણ આરોપ લગાવ્યો છે.