ઝારખંડની રાંચી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડના ચોથા કેસમાં પણ દોષી જાહેર કરવામાં આવ્યા છે. દુમકા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર નિકાસના આ કેસમાં રાંચીની વિશેષ CBI અદાલતે સોમવારે ચુકાદો સંભળાવ્યો.
ઘાસચારા કૌભાંડના 6માંથી 4 કેસમાં લાલુ યાદવને અત્યાર સુધી દોષી જાહેર કરવામાં આવ્યા છે. દુમકા ટ્રેઝરીના આ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને છોડી દેવામાં આવ્યા છે. તેમની સાથે મહેન્દ્ર સિંહ બેદી, અધીપ ચંદ, ધ્રુવ ભગત અને આનંદ કુમારને પણ છોડી દેવામાં આવ્યા છે.
આ કેસમાં લાલુની સજા પર 21, 22 અને 23 માર્ચના રોજ ચર્ચા થશે. લાલુ યાદવ અત્યારે બીમાર છે માટે રાંચી ઈન્સિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. પાછલા 3 દિવસથી તે હોસ્પિટલમાં હતા. ચુકાદા વખતે લાલુ કોર્ટમાં હાજર હતા. આ પહેલા શનિવારના રોજ ઘાસચારા કૌભાંડના કેસનો ચુકાદો આવવાનો હતો, પણ ત્યારે ચુકાદો ટાળી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ કેસ દુમકા ટ્રેઝરીમાંથી ગેરકાયેદર નિકાસ કરવાનો છે. આ ટ્રેઝરીમાંથી લગભગ 3.76 કરોડ રુપિયા ગેરકાયદેસર રીતે લેવા બાબતે CBIએ 1996માં FIR દાખલ કરી હતી. આ પૈસા 1995થી 1996 દરમિયાન ઉપાડવામાં આવ્યા હતા. કેસની તપાસ પછી CBIએ 11 એપ્રિલ, 1996ના રોજ રિપોર્ટ ફાઈલ કર્યો હતો.
રવિવારના રોજ લાલુ યાદવને મળવા તેમનો મોટો દીકરો તેજ પ્રતાપ અને નાનો દીકરો તેજસ્વી પ્રતાપ પહોંચ્યા હતા. રિમ્સના ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, લાલુ યાદવને પેરિએનલ એબ્સિસની બીમારી છે. આ સિવાય તેમને ડાયાબિટીસ અને હાઈપર ટેન્શન પણ છે. ડોક્ટર્સે તેમને ખીચડી, રોટી, લીલા શાકભાજી, દાળ અને દહીં ખાવાની સલાહ આપી છે.