ડૉ. ઝાકિર હુસૈનનો જન્મ હૈદરાબાદના ધનવાન પઠાણ પરિવારમાં થયો હતો. ઝાકિર હુસૈનના જન્મ પછી તેમના પિતા હૈદરાબાદથી ઉત્તર પ્રદેશના કાયમગંજમાં સ્થાઈ થયા હતા, જ્યાં ઝાકિર હુસૈને આરંભિક અભ્યાસ કર્યો હતો.જર્મનીના બર્લિનમાં આવેલી ફેડેરિક વિલિયમ યુનિવર્સિટીમાં તેમણે અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી.આઝાદીની લડાઈમાં જોડાયા પછી તેમની જાહેર જીવનમાં સક્રિય કારકિર્દી શરૃ થઈ હતી.
શિક્ષણનીતિમાં ઝાકિર હુસૈનની વિદ્યતાનો લાભ લઈ શકાય એ કારણે ગાંધીજીએ તેમને પ્રાથમિક શિક્ષણ આયોગના અધ્યક્ષ બનાવવાની ભલામણ કરી હતી. ગાંધીજીની પ્રેરણાથી જે બૂનિયાદી શિક્ષણનો પ્રારંભ થયો હતો તેમાં અભ્યાસક્રમ બનાવવામાં ઝાકિર હુસૈનની બહુ જ મહત્વની ભૂમિકા હતી.
૧૯૪૮માં તેમને અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ બનાવાયા હતા. એ ટર્મ પૂરી થઈ પછી તેઓ યુનેસ્કોના સંયુક્ત શિક્ષણ, વિજ્ઞાાન તેમજ સંસ્કૃતિના સંગઠનમાં કાર્યરત રહ્યા હતા.૧૯૫૭માં તેમને બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા હતા.બિહારના રાજ્યપાલ તરીકે કાર્યકાળ પૂરો થયો એ પછી તેઓ ૧૯૬૨માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા.
૧૯૬૭માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય મેળવીને તેઓ દેશના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ બન્યા હતા.તેઓ રાષ્ટ્રપતિ હતા એ દરમિયાન જ ૩ મે, ૧૯૬૯માં તેમનું નિધન થયું હતું.રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય ત્યારે નિધન થયું હોય એવા એ દેશના પહેલાં રાષ્ટ્રપતિ હતા.