કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા વિગતવાર રીતે કરવામાં આવેલા દેશના પ્રથમ રાષ્ટ્રીય પોષણ સર્વેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે, દેશમાં 2 વર્ષની ઉંમર સુધીનાં માત્ર 6.4 ટકા બાળકોને મિનિમમ અક્સેપ્ટેબલ ડાયટ એટલે કે પર્યાપ્ત આહાર મળે છે. જો કે, સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં આ આંકડા અલગ અલગ છે.
2 વર્ષ સુધી બાળકોને નથી મળતું પર્યાપ્ત ભોજન
દેશમાં વિકસિત માનવામાં આવતાં રાજ્યો પણ પોતાને ત્યાં બાળકોને પર્યાપ્ત ભોજન આપવામાં ખૂબ પાછળ છે. જેમ કે, મહારાષ્ટ્રમાં 2 વર્ષ સુધીનાં માત્ર 2.2 ટકા બાળકોને જ સંપૂર્ણ આહાર મળે છે, તો ગુજરાત, તેલંગણા અને કર્ણાટકમાં આવાં બાળકોની સંખ્યા 3.6 ટકા છે અને તમિલનાડુમાં 4.2 ટકા છે. આ કેસમાં કેરળ સમગ્ર દેશમાં બીજા નંબરે છે, જ્યાં બે વર્ષ સુધીનાં 32.6 ટકા બાળકોને સંપૂર્ણ આહાર મળે છે.
7માંથી 4 ફૂડ ગ્રુપમાંથી બાળકોને ખોરાક મળવો જોઈએ
6થી 23 મહિનાની વચ્ચેનાં બાળકો માટે જે મિનિમમ અક્સેપ્ટેબલ ડાયટ નક્કી કરવામાં આવ્યું છે, તે પ્રમાણે સ્તનપાન કરનારાં બાળકો માટે દિવસમાં 2થી 3 વખત ભોજન મળવું અને સ્તનપાન ન કરનારા બાળકોને 4 વખત ભોજન મળવું જોઈએ. રેકમૅન્ડેડ ડાયટરી ડાયવર્સિટી હેઠળ બાળકોને 7 ફૂ઼ડ ગ્રુપમાંથી ઓછાંમાંઓછાં 4 અલગ અલગ ફૂડ ગ્રુપમાંથી ભોજન જરૂર મળવું જોઈએ. આ 7 ફૂડ ગ્રુપ છે ‘અનાજ, કંદમૂળ, 2. ઈંડાં. 3. ડેરી પ્રોડક્ટ્સ 4. દાળ અને નટ્સ 5 વિટામિન Aથી ભરપૂર ફ્રૂટ અને શાકભાજી, 6 માંસ અને ફિશ 7. શાકભાજી અને ફ્રૂટ’
5 વર્ષ સુધીનાં 35 ટકા બાળકો કમજોર અને ઓછી હાઈટવાળાં છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા સર્વેના જણાવ્યા પ્રમાણે, સમગ્ર દેશમાં 5 વર્ષ સુધીનાં બાળકોમાંથી 35 ટકા બાળકો એવાં છે જે કમજોર હોવાની સાથોસાથ ઉંમર પ્રમાણે તેમની હાઈટ પણ ઓછી છે. આ વય જૂથનાં લગભગ 17 ટકા બાળકોનું વજન, ઉંચાઈ કરતાં ઓછું છે, જ્યારે 33 ટકા બાળકો અંડરવેઇટ છે એટલે કે ઉંમર પ્રમાણે વજન ઓછું છે, જ્યારે માત્ર 2 ટકા ઓવરવેઇટ એટલે કે મેદસ્વિતાનો ભોગ બનેલાં છે, તેમાંથી લગભગ 11 ટકા બાળકો કુપોષણનો ભોગ બનેલાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
10 ટકા બાળકો પ્રિ-ડાયબીટિક છે
5થી 9 વર્ષની વય જૂથમાં આવતાં બાળકોમાં 22 ટકા બાળકોની હાઈટ ઓછી છે, 10 ટકા બાળકો અંડરવેઇટ છે અને માત્ર 4 ટકા બાળકો ઓવરવેઇટ એટલે કે મેદસ્વિતાનો ભોગ બનેલાં છે. જો કે, આ સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે અને ભારતમાં બાળકોને ન્યૂટ્રિશન લેવલને યોગ્ય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાળકોને પર્યાપ્ત ભોજન ન મળવાની પાછળ ગરીબી અને ડ્રાયટરી રિસ્ટ્રિક્શન્સ મુખ્ય કારણ છે. એટલું જ નહીં, સર્વેનાં પરિણામો પ્રમાણે, સ્કૂલ જતા લગભગ 10 ટકા બાળકો પ્રિ-ડાયાબીટિક છે એટલે કે ડાયાબીટિસનાં શરૂઆતી લક્ષણોની ઝપેટમાં છે.