નવી દિલ્હી : દેશમાં 7400થી વધુ લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 239 લોકોનાં મોત પણ થયા છે. દેશમાં કોરોના વાયરસ સંકટને કારણે 21 દિવસનો લોકડાઉન અમલમાં છે. તે જ સમયે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં દેશમાં લોકડાઉન કરવાનું છે કે નહીં તે અંગે પણ ચર્ચા થઈ હતી.
વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે રાજ્યમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. મહારાષ્ટ્ર પંજાબ અને ઓડિશા પછી આવો હુકમ જારી કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે લોકડાઉન અંગેનો આગામી નિર્ણય 30 એપ્રિલ પછી જ લેવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવાયું
મહારાષ્ટ્ર પછી હવે પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ 10 જૂન સુધી બંધ રહેશે. આ સાથે પશ્ચિમ બંગાળના સીએમ મમતાએ પણ લોકોને ઘરે ધાર્મિક પરંપરાઓ ઘરે જ કરવાની અપીલ કરી છે.