Lok Sabha Election Schedule : લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર શનિવારે બપોરે 3 વાગ્યે એક પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. એક અંદાજ મુજબ 543 લોકસભા સીટો માટે છ થી સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ (eci.gov.in) સિવાય આ પ્રેસ કોન્ફરન્સ , વેબસાઈટ પર લાઈવ જોઈ શકાશે.
ચૂંટણી પંચ તેની પ્રેસ કોન્ફરન્સમાં એ પણ જણાવશે કે કયા રાજ્યોમાં લોકસભાની ચૂંટણી કેટલા તબક્કામાં કરાવવામાં આવશે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.
ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં 6 થી 7 તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જ્યારે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી 4 તબક્કામાં યોજાશે. તેવી જ રીતે મધ્યપ્રદેશ અને આસામમાં પણ બેથી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જ્યારે તમિલનાડુ, કેરળ, ગુજરાત, હરિયાણા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે.
Press Conference by Election Commission to announce schedule for #GeneralElections2024 & some State Assemblies will be held at 3 pm tomorrow ie Saturday, 16th March. It will livestreamed on social media platforms of the ECI pic.twitter.com/1vlWZsLRzt
— Spokesperson ECI (@SpokespersonECI) March 15, 2024
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે. આ પહેલા 18મી લોકસભાની રચના થવાની છે. વર્ષ 2019 માં, ચૂંટણી પંચે 10 માર્ચે 17મી લોકસભા ચૂંટણીની જાહેરાત કરી હતી અને આ ચૂંટણીઓ 11 એપ્રિલથી શરૂ થતાં સાત તબક્કામાં યોજાઈ હતી. 23 મેના રોજ મતગણતરી કરવામાં આવી હતી. ગત ચૂંટણીઓની પેટર્ન જોતા આ વખતે પણ દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સાથે, બંને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ પણ લોકસભા ચૂંટણીની જાહેરાત કરવા માટે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેશે. આ બંને ચૂંટણી કમિશનરોની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે અને તેઓએ શુક્રવારે નિર્વચન ભવન પહોંચીને ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પોતે આ બંને ચૂંટણી કમિશનરોનું સ્વાગત કર્યું હતું અને આ દરમિયાન તેમણે શનિવારે યોજાનારી પ્રેસ કોન્ફરન્સ વિશે માહિતી આપી હતી.