લોકસભા ચૂંટણીમાં કાળાનાણાના દુરૂપયોગને રોકવા માટે આવક વેરા વિભાગ સક્રિય બની ગયો છે. તેના માટે આવક વેરા વિભાગ તરફથી એક ખાસ સેલ બનાવાયો છે. આ ઉપરાંત એક કંટ્રોલ રૂમ પણ બનાવાયો છે, જે ચૂંટણી પુરી થાય ત્યાં સુધી દરરોજ 24 કલાક ખુલ્લો રહેશે.
આવક વેરા વિભાગના ખાસ સેલમાં તૈનાત ઉચ્ચ અધિકારી જણાવે છે કે સામાન્ય રીતે કોઈ વ્યકિત રોકડા ૫૦ હજાર સુધી લઈને જતો હોય તો તેને પકડાશે નહીં કે તેની પૂછપરછ પણ નહીં કરાય, પણ કોઈ વ્યકિત 50 હજારથી વધારેની રોકડ સાથે પકડાશે તો તેને રૂપિયાના સ્ત્રોત અને તેના ઉદ્દેશ બાબતે પૂછપરછ કરવામાં આવશે. સંતોષકારક જવાબ ન મળે તો તેના રૂપિયા જપ્ત કરીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે, સાથે જ પોલીસને પણ જાણ કરવા ચૂંટણીમાં કાળાનાણાના ઉપયોગ કરવા અને મતદારોને પૈસા આપવા જેવી ફરીયાદો માટે આવકવેરા વિભાગ તરફથી ઈલેકશન એકસપેન્ડીચર મોનીટરીંગ સેલ (ઈઈએમસી) બનાવવામાં આવ્યો છે.
આ સેલ તરફથી બધી બેંકોને સૂચના આપવામાં આવી છે કે જો કોઈ ખાતામાંથી 10 લાખથી વધારે રોકડ રકમ ઉપાડવામાં આવે અથવા જમા કરાવવામાં આવે તો તેની માહિતી તે જ દિવસે આવક વેરા વિભાગને અને સંબંધિત જીલ્લા ચૂંટણી અધિકારીને આપવાની રહેશે.