નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના નિવાસસ્થાન અને અન્ય ઘણા મહત્વપૂર્ણ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી કોલ સેન્ટર પર આપવામાં આવી છે. ધમકી પર તાત્કાલીક ધ્યાન આપીને વહીવટીતંત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાન, 5 કાલીદાસ માર્ગની સુરક્ષા વધારી દીધી છે. એન્ટી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં જ મુંબઈના એક યુવાનની પણ સીએમ યોગીને ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. યુપી પોલીસને ધમકી આપનાર કામરાનને મહારાષ્ટ્ર એટીએસ અને યુપી એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કામરાનની ધરપકડ બાદ યુપી પોલીસના સોશ્યલ મીડિયા હેલ્પ ડેસ્કને એક નવી ધમકી મળી છે, જેમાં મુંબઈથી ધરપકડ કરાયેલા યુવકને છોડો નહીંતર પરિણામનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું. આ યુવકની પાછળથી મહારાષ્ટ્ર એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 20 વર્ષીય યુવાનની નાસિકથી ધરપકડ કરવામાં આવી હતી.