મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રમાં નવી સરકાર આવ્યા બાદ આ તેમની પ્રથમ બેઠક હતી. શિંદે અને ફડણવીસ વડા પ્રધાનને તેમના લોક કલ્યાણ માર્ગ નિવાસસ્થાને મળ્યા હતા અને મહારાષ્ટ્રના વિકાસ માટે તેમના “આશીર્વાદ અને માર્ગદર્શન” માંગ્યા હતા.
વડા પ્રધાન કાર્યાલયે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.”
અગાઉ, અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા શિંદેએ કહ્યું હતું કે તેઓ રાજ્યના વિકાસ માટે વડા પ્રધાનના વિઝનને સમજવાનો પ્રયાસ કરશે અને મહારાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કરશે.
શિંદેએ જણાવ્યું હતું કે મુંબઈ અને નાગપુરને જોડતો સમૃદ્ધિ એક્સપ્રેસવે, શહેરોમાં મેટ્રો રેલ અને સિંચાઈને વેગ આપવા માટે ખેત તલાવડીઓ ખોદવા જેવી અનેક યોજનાઓ ફડણવીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી પરંતુ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારમાં વિલંબ થયો છે. તે પ્રોજેક્ટ ઝડપી કરવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ શિંદે અને ફડણવીસે 30 જૂને કાર્યભાર સંભાળ્યો હતો. ઠાકરેને શિવસેનામાં જોરદાર વિદ્રોહનો સામનો કરવો પડ્યો હતો.
ગયા મહિને, શિવસેનાના 40 ધારાસભ્યો અને 10 અપક્ષોએ કોંગ્રેસ અને એનસીપી સાથેની ગઠબંધન મહારાષ્ટ્ર વિકાસ અઘાડીમાંથી બહાર નીકળી ગયા હતા, અને ઠાકરે પર પક્ષના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના આદર્શોથી ભટકવાનો આરોપ લગાવ્યો હતો.