મહારાષ્ટ્ર સરકારે મંગળવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે તેણે મુંબઈના જુહુ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના બંગલાના અમુક ભાગને તોડી પાડવાનો પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ કમિટીના સબ ડિવિઝનલ ઓફિસર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે ન્યાયમૂર્તિ અમજદ સઈદ અને અભય આહુજાની બેન્ચને જણાવ્યું હતું કે તેણે 21 માર્ચનો પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે અને સત્તાવાળાઓ કોઈપણ પગલાં લેતા પહેલા રાણેના બંગલામાં કથિત અનિયમિતતાઓને નિયમિત કરવા માટેની અરજી પર વિચાર કરશે.
બેન્ચે રાજ્યની દલીલ સ્વીકારી અને કાયદા મુજબ આ મુદ્દા પર કોઈ નવેસરથી જરૂરી પગલાં લેવાની સ્વતંત્રતા આપી. રાણેએ આ મહિનાની શરૂઆતમાં હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેમને આપવામાં આવેલી નોટિસને રદ કરવાની માંગ કરી હતી (ફેબ્રુઆરી 25, માર્ચ 4 અને માર્ચ 16).
મંગળવારે રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ બેન્ચને જણાવ્યું હતું કે ભવિષ્યમાં જરૂરી પગલાં લેવાનો પોતાનો અધિકાર અનામત રાખતા મહારાષ્ટ્ર સરકારે રાણેના જુહુ બંગલાના ભાગોને તોડી પાડવાનો 21 માર્ચનો આદેશ પાછો ખેંચી લીધો છે. રાજ્ય સરકારનું નિવેદન સ્વીકારીને ખંડપીઠે અરજીનો નિકાલ કર્યો હતો.