પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર બોલીવુડમાં અનેક ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી બની ચુકી છે. હવે જાણીતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ પણ પીએમ મોદીના જીવન પર એક ફીચર ફિલ્મ બનાવી છે. જેનું નામ છે ‘મન બૈરાગી.’ આજે પીએમ મોદીના જન્મદિવસે ફિલ્મનો ફર્સ્ટ લુક રિવિલ કરવામાં આવ્યો છે. પીએમ મોદી પર બનેલી આ ફિલ્મનું પોસ્ટર ‘બાહુબલી’ પ્રભાસે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યુ છે. ‘મન બૈરાગી’ નામે આવનારી આ સ્પેશિયલ ફીચર ફિલ્મ પીએમના જીવનના અજાણ્યા પાસાઓ પર આધારિત હશે. આ કહાની હજુ સુધી પબ્લિક પ્લેટફોર્મથી દૂર રહી છે.
આ ફિલ્મને સંજય લીલા ભણસાલી અને મહાવીર જૈને સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. સાથે જ આ ફિલ્મની કહાની સંજય ત્રિપાઠીએ લખી છે. ફિલ્મને ડાયરેક્ટ કરવાની જવાબદારી સંજય લીલા ભણસાલીએ નિભાવી છે. ફિલ્મ મેકર્સનું માનવું છે કે પીએમ મોદીના જીવનમાં એક નિર્ણાયક ક્ષણ આવી છે અને ‘મન બૈરાગી’ તેના જ વિશે છે. આ ફિલ્મ પ્રામાણિકતા અને ગંભીરતાથી બનાવવામાં આવી છે.
સંજય લીલા ભણસાલીએ ફિલ્મ વિશે જણાવ્યું કે, આ કહાનીની યુનિવર્સલ અપીલ અને મેસેજે મને આકર્ષિત કર્યો. કહાની પૂરી રિસર્ચ બાદ તૈયાર કરવામાં આવી છે. યુવા તરીકે પીએમ મોદીના જીવનના અનેક ટર્નિંગ પોઇન્ટે મને ખૂબ જ ઇમ્પ્રેસ કર્યો. મને અહેસાસ થયો કે આ કહાની અત્યાર સુધી લોકો સુધી પહોંચી નથી અને તેને લોકોને જણાવવાની જરૂર છે.
ડાયરેક્ટર સંજય ત્રિપાઠીનું માનવું છે કે આ ફિલ્મ દરેક ભારતવાસીના દિલ સુધી પહોંચશે. તેમણે કહ્યું કે, મારા માટે આ એક હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી છે. આ એક શખ્સની પોતાની જાતને શોધવાની કહાની છે. જે આગળ વધતા ગયા અને દેશના મજબૂત નેતા બન્યાં.