બેંગલુરુઃ ગુજરાતમાં જંગલ વિસ્તારોમાં દીપડાના મનુષ્યો ઉપર હુમલો કરવાની અનેક ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવી જ એક ઘટના બેંગલુરુમાં બની હતી. જોકે, આ ઘટનામાં દીપડાએ મનુષ્યને માર્યો ન હતો. પરંતુ એક પતિએ પત્ની અને દીકરીને બચાવવા માટે દીપડા સાથે ભીડાઈ ગયો હતો. અને દીપડાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. દીપડાને મારી નાંખી પતિએ પોતાનો અને પતિની તેમજ પુત્રીનો જીવ બચાવ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે પ્રમાણે રાજાગોપાલ નાઇક નામનો વ્યક્તિ મોટરસાઇકલ પર સવાર થઈને પોતાના પરિવાર સાથે જઈ રહ્યો હતો. આ દરમિયાન દીપડાએ પાછળથી તેમના પર હુમલો કરી દીધો હતો. પરિવારના સભ્યોને બચાવવા માટે રાજાગોપાલે દીપડા સાથે બાથ ભીડી લીધી હતી અને તેનું ગળું પોતાના હાથ વડે દબાવી દીધું હતું. આ દરમિયાન તેને ઈજા પણ પહોંચી હતી. આ અંગેનો એક વીડિયો પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
દીપડાએ રાજાગોપાલના બાળકના પગમાં બચકું ભરી લીધું હતું અને તેની પત્ની પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રાજાગોપાલે બહાદુરી બતાવતા દીપડાને ગળાથી પકડી લીધો હતો અને તેના માથામાં પ્રહાર કર્યો હતો. રાજાગોપાલ અને દીપડા વચ્ચેની ફાઇટમાં એક સમયે દીપડાએ પકડમાંથી છૂટી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજગોપાલે તેને છોડ્યો ન હતો. રાજાગોપાલે દીપડાનું ગળું એટલું જોરથી પકડી રાખ્યું હતું કે થોડા સમય પછી શ્વાસ ન લઈ શકવાને કારણે તેણે દમ તોડી દીધો હતો.
દીપડા અને રાજાગોપાલ વચ્ચેની લડાઈમાં રાજાગોપાલને ઈજા પહોંચી હતી. તેના ચહેરા અને કપાળના ભાગે દીપડાએ પંજાથી ઈજા પહોંચાડી હતી. જે બાદમાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પરિવારની રક્ષા માટે દીપડાને મારી નાખનાર રાજાગોપાલની પ્રશંસા કરી હતી.
આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે રાજાગોપાલ જમીન પર ઈજાગ્રસ્ત હાલતમાં બેઠો છે. તેની આગળની બાજુમાં દીપડાને મૃતદેહને રાખવામાં આવ્યો છે. લોકો આ વીડિયો વાયરલ કરતાની સાથે સાથે રાજાગોપાલને Drishyam 2 ફિલ્મના એક પાત્ર George Kutty સાથે સરખાવી રહ્યા છે.
હસન ડિવિઝનના ડીસીએફ કે.ટી. બસવરાજે ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એક પરિવાર પર હુમલો કર્યા બાદ દીપડાની મારી નાખવામાં આવ્યો હતો. પરિવાર બાઇક પર સવાર થઈને જઈ રહ્યો હતો ત્યારે દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “દીપડાએ પાછળથી હુમલો કર્યો હતો જેના કારણે બાઇક નીચે પડી ગયું હતું. જે બાદમાં દીપડાએ મહિલાનો પગ પકડી લીધો હતો. ખતરો જોઈને બાઇક સવાર વ્યક્તિ અને તેની દીકરીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદમાં ગામના લોકો દોડી આવ્યા હતા. આ દરમિયાન દીપડાને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.”