ભારતમાં કોરોના ચેપની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. તેમજ, વિશ્વમાં આ આંકડો 1.5 કરોડને સ્પર્શવા જઈ રહ્યો છે. તે દેશોમાં ભારતનો સમાવેશ પણ થાય છે. જો કે, ભારતની આ સ્થિતિ માટે એક જવાબદાર પરિબળ એ પણ છે કે, અહીં પૂરતું ટેસ્ટિંગ નથી થયું. જો કે, મોટી સંખ્યામાં લોકોનું ટેસ્ટિંગ કરવા વિવિધ કંપનીઓ કાર્યરત થઈ ગઈ છે. આ માટે વિશ્વભરમાં કાર્યરત IITએ એક નવું ટેસ્ટિંગ મોડેલ બનાવ્યું છે. આ મોડેલની ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે. IIT C-19 ટાસ્ક ફોર્સની શરૂઆત ફેબ્રુઆરી 2020માં IIT એલ્યુમની કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી. ટાસ્ક ફોર્સનો હેતુ કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે વિશ્વભરના IITના લોકોની ટેક્નિક અને આર્થિક શક્તિનો ઉપયોગ કરવાનો છે. આ C-19 ટાસ્ક ફોર્સે ટેસ્ટિંગનું આ નવું મોડેલ વિકસાવ્યું છે. બે મહિના પહેલા C-19 ટાસ્ક ફોર્સે મુંબઇમાં પણ કોવિડ-19ની ટેસ્ટિંગ બસ પણ શરૂ કરી હતી. કાઉન્સિલના પ્રમુખ રવિ શર્મા જણાવી રહ્યાં છે કે, બલ્કમાં ટેસ્ટિંગ કરતું આ નવું મોડેલ કેવી રીતે કાર્ય કરશે. આ મોડેલની ક્ષમતા એક મહિનામાં 1 કરોડ લોકોનું ટેસ્ટિંગ કરવાની છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. કોન્ટેક્ટલેસ ટેસ્ટિંગ માટે રોબોટિક્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ સંપૂર્ણ ટેસ્ટિંગ મોડેલનું નામ મેગાલેબ રાખવામાં આવ્યું છે. આટલા મોટા પાયે કોવિડ-19 ટેસ્ટનો દાવો સાંભળીને પહેલો સવાલ એ ઊભો થાય કે તેની ટેસ્ટિંગ લેબ ક્યાં હશે? જો કે, આ ટેસ્ટિંગ માટે કોઈ એક લેબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું નથી. ટેસ્ટિંગ લેબ, કાર, કેબ અને કાઉન્સિલની કોવિડ-19 ટેસ્ટિંગ બસમાં થશે. આ રીમોટ લેબ્સ દ્વારા સેમ્પલ્સ ભેગાં કરવામાં આવશે. લોકોની આધારકાર્ડ અને પાસપોર્ટ દ્વારા ઓળખ કરવામાં આવશે. આ મોડેલના અમલ માટે ભારત સરકારની મંજૂરીની જરૂર છે. કાઉન્સિલે મે મહિનામાં જ આ મોડેલને લાગુ કરવાની દરખાસ્ત સરકારને મોકલી છે. સરકારની મંજૂરી બાદ ફાઇનલ મોડેલ તૈયાર કરવામાં આવશે.