નવી દિલ્હી: અત્યારે ઉનાળો પોતાના મધ્યભાગમાં આવી પહોંચ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ચોમાસા અંગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગ 2021 વર્ષ માટે ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ અનુસાર આ વખતે સામાન્ય હવામાન રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ સામાન્ય રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અલ નીનોની અસર ઓછી રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી દેશના અલગ-અલગ હિસ્સામાં ક્યાંક સામાન્ય તો ક્યાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દરમિયાન (જૂનથી સપ્ટેમ્બર) વરસાદ પડે છે. આ વખતે આ ત્રણ મહિનામાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે સમગ્ર દેશમાં 75 ટકા સુધી વરસાદ લાવનારું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આ વખતે સામાન્ય રહેશે. હવામાન વિભાગ મુજબ, વરસાદના Long Period Average (LPA) લગભગ 98 ટકા રહી શકે છે. આ જાણકારી મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સચિવ એમ. રાજીવનએ આપી. હવામાન વિભાગ મુજબ, સારો વરસાદ આપણા એગ્રીકલ્ચર પ્રોડક્શનને વધારવામાં મદદ કરશે.
હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આ વર્ષે પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત ઓડિશા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસામમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.
બીજી તરફ, Skymet તરફથી જાહેર કરવામાં આવેલા ચોમાસા 2021ના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે 103 ટકા વરસાદનું અનુમાન છે. દેશના મોટાભાગના હિસ્સામાં સામાન્ય ચોમાસાની શક્યતા છે. જુલાઈ ઓગસ્ટમાં વધુ વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદની આશા છે.