નવી દિલ્હી : લક્ઝરી કાર બનાવતી કંપની એમજી મોટર (MG Motor) યુઝ્ડ અથવા સેકન્ડ હેન્ડ કારના માર્કેટમાં પ્રવેશ કરી છે. આ વિશે માહિતી આપતાં એમજી મોટર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, આ વ્યવસાય ‘એમજી રીએશ્યોર’ ના નામથી શરૂ કરવામાં આવ્યો છે.
કંપનીએ જણાવ્યું હતું કે, સેકન્ડ હેન્ડ કારોનું મૂલ્યાંકન ગુણવત્તાના આધારે કરવામાં આવશે. આ કારના ફરીથી વેચાણ પહેલા કંપની તેમાં તમામ જરૂરી સુધારાઓ અને સમારકામ કરશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એમજી કારના માલિકો સરળતાથી તેમના વાહનનું વેચાણ કરી શકશે. જૂની કારના બદલામાં તેમને નવું કંપનીનું મોડેલ લેવાની કોઈ મજબૂરી રહેશે નહીં.
એમજી મોટર ઇન્ડિયાના સિનિયર ઓફિસર ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આના દ્વારા અમે એમજી કારના ગ્રાહકોને તેમના વાહનના વેચાણ પર સૌથી સારી કિંમત આપીશું. અમે એક એવું પ્લેટફોર્મ બનાવવા માંગીએ છીએ જે પારદર્શક હોય અને ગ્રાહકોને તેમના જૂના વાહનની યોગ્ય કિંમતની ખાતરી આપે. ”
તમને જણાવી દઈએ કે કંપની હાલમાં ભારતીય બજારમાં હેક્ટર, હેક્ટર પ્લસ અને ઝેડએસ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કરે છે.ઉત્સવની સિઝનમાં કંપની ગેલસ્ટર એસયુવી રજૂ કરવાની યોજના ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, એમજી મોટર ઇન્ડિયાએ આ વર્ષે જુલાઈમાં ભારતમાં હેક્ટર પ્લસ લોન્ચ કર્યું હતું. તેની એક્સ શોરૂમ કિંમત 13,73,800 રૂપિયાથી શરૂ થાય છે.