પાકિસ્તાન સાથે જોડાયેલી ભારતની સરહદ પર તૈનાત સુરક્ષા દળોને પાકિસ્તાની ડ્રોને તોડી પાડવાની મંજૂરી મળી ગઈ છે. જો સરહદ પર પાકિસ્તાનનું ડ્રોન 1000 ફુટની ઊંચાઈ પર ઊડતું જોવા મળશે તો ભારતીય સુરક્ષા દળો તેને તોડી પાડશે. હાલમાં જ પાકિસ્તાની સેનાની મદદથી આતંકી સંગઠનો ડ્રોન દ્વારા પંજાબમાં હથિયાર અને ડ્રગ્ઝની સપ્લાય કરવાનો મામલો સામે આવ્યો હતો, જે બાદ ભારતીય સુરક્ષાદળોને સરહદ પર પાકિસ્તાનના ડ્રોન તોડી પાડવાની મંજૂરી મળી છે.
જમ્મુ કાશ્મીર અને પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાનની સરહદ પર ભારતીય સેના અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો તૈનાત છે. BSFના જવાબમાં ઘણીવાર સરહદ પર પાકિસ્તાની ડ્રોનને ઉડતું જોઈ ચૂક્યા છે. ઘણી વાર પાકિસ્તાની ડ્રોન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પણ ઘુસી જાય છે. હાલના દિવસોમાં જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલી સરહદ પાર કરવાના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યાં બાદ પાકિસ્તાન પંજાબના રસ્તેથી હથિયારોની આપૂર્તિ કરી રહ્યું છે.